રાજકોટના લોકમેળાને લઇ તૈયારીઓ અંતિમ ચરણમાં

536

ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય ગણાતા રાજકોટના લોકપ્રિય મલ્હાર લોકમેળાને લઇને તૈયારીઓ અંતિમ તબક્કામાં પ્રવેશી ચુકી છે. આ વખતે લોકમેળાને લઇને પણ સાવચેતીના વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. હાલમાં ત્રાસવાદી હુમલાની દહેશત હોવાથી વિવિધ પગલા લેવામાં આવ્યા છે. હુમલાની દહેશત વચ્ચે ૨૨મી ઓગસ્ટના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી મલ્હાર લોકમેળાને ખુલ્લો મુકશે. મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રના ૭૮ અધિકારી તથા ૧૩૭૩ કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. તો સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા ૨૪ કલાક સીસીટીવી કેમેરા સાથેનો પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. ખાસ કરીને આંતકી હુમલાની દહેશતને લઇ બહુ લોકપ્રિય એવા લોકમેળા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. સમગ્ર મેળાની ફરતે ૧૪ માઉન્ટેડ પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવશે. તો મલ્હાર મેળામાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટના આધારે હાજરી પૂરાશે. એટલું જ નહી, લોકમેળાના સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડીને તેનું બારીકાઇથી સુપર વિઝન કરાશે. તો મેળામાં ખોવાઈ જતાં બાળકો માટે પણ પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે. બાળકોને નામ, સરનામા સહિતની જાણકારી આવરી લેતું આઈકાર્ડ અપાશે. તેમજ પાકીટ ચોર અને મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસની અલગ ટીમની રચના કરાઈ છે.

મેળાની સુરક્ષામાં ૧૪૫૧ પોલીસ કર્મચારીઓ મેળામાં ખડેપગે રહેશે. લોકમેળાની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ તંત્રના ૭૮ અધિકારીઓ અને ૧૩૭૩ કર્મચારીઓ બંદોબસ્ત જાળવશે. મેળાની બહારના રસ્તા પર ૯૨૨ પોલીસ કર્મચારી તહેનાત રહેશે. સીસીટીવી કેમેરાની મદદથી મોનિટરિંગ કરવામાં આવશે. મેળાની આસપાસ અલગ અલગ ૧૦ જગ્યા પર મફત પાર્કિંગની સુવિધા પૂરી પડાશે. રિંગ રોડને ફરતે લારી ગલ્લા અને પાથરણાંવાળા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લોકમેળાને લઇ અત્યારથી પોલીસ સમગ્ર વિસ્તાર અને પંથકમાં સતત અને સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ હાથ ધરી રહી છે. તો સાથે સાથે એકેએક શંકાસ્પદ હિલચાલ અને ગતિવિધિ પર પણ ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને મુખ્યમંત્રી જયારે આ પ્રસિધ્ધ લોકમેળાનું ઉદ્‌ઘાટન કરવાના હોય અને આઇબીના આંતકી હુમલાની દહેશતના એલર્ટને લઇ સુરક્ષા એજન્સીઓ પણ એકદમ સતર્ક બનાવી દેવાઇ છે.

Previous articleપાલખી યાત્રામાં સાધુ-સંતો સહિત હજારો સેવક જોડાયા
Next articleસ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મજ્યંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ