ડાકોરમાં ખાતે જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઉજવાશે : લાલનજીને સોનાના પારણે ઝુલાવાશે

527

જગતનો નાથ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવને વધાવવા યાત્રાધામ ડાકોરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જન્માષ્ટમી પર્વ નિમિતે રણછોડરાય મંદિરના શિખર, ઘુમ્મટ, દરવાજા સહિત સમગ્ર મંદિરથી રંગબેરંગી લાઇટીંગ ડેકોરેશન કરાશે. મંદિરમાં શ્રીજીના બાળસ્વરૂપ શ્રી ગોપાલલાલજી મહારાજને સોનાના પારણે ઝુલાવાશે. આ સમયે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠશે. ડાકોરધામ ગોકુળમય બની જશે. દર્શનનો લાભ લેવા ભકતો તથા શ્રધ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડશે. યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં શનિવારે જન્માષ્ટમી પર્વના દિવસે દર્શનના સમયમાં રોજિંદા કરતાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં તા. ૨૪ ઓગસ્ટના રોજ સવારના ૬.૩૦ કલાકે નિજમંદિર ખુલી ૬.૪પ વાગ્યાના અરસામાં મંગળાઆરતી થઇ નિત્યક્રમાનુસાર સેવાપૂજા થશે. બપોરે ૧.૦૦થી ૧.૩૦ના અરસામાં શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે. ૪.૪પ અરસામાં નિજમંદિર ખુલી પ.૦૦ વાગ્યાના અરસામાં ઉત્થાપન આરતી થયા બાદ નિત્યાક્રમાનુસાર સેવાપૂજા થશે. રાત્રિના ૧ર.૦૦ કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે, પંચામૃત સ્નાન થશે, ત્યારબાદ દાગીના ધરાવાશે. રાત્રિના ૧.૩૦થી ર.૧પના અરસામાં મોટો મુગટ ધરાવાશે.

રાત્રિના રથી ૩ કલાકના અરસામાં ભગવાન શ્રી ગોપાલલાલજી મહારાજ સોનાના પારણામાં ઝુલશે. ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી થઇ શ્રી રણછોડરાયજી ભગવાન પોઢી જશે. તા.રપ ઓગસ્ટને રવિવારના રોજ નંદ મહોત્સવના દિવસે ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો સમય સવારના ૮.૪પ કલાકે નિજમંદિર ખુલી ૯ કલાકના અરસામાં મંગળાઆરતી થશે. નિત્યક્રમાનુસાર સેવાપૂજા થશે. ૧ર.૩૦થી ૧.૦૦ના અરસામાં નંદ મહોત્સવ ઉજવાશે.

Previous articleગણેશ ઉત્સવ નજીક આવતા ગણેશની મુર્તિઓની તૈયારી
Next articleકોઈ પક્ષમાં જોડાઈને નામના હલકી કરવા ઈચ્છતો જ નથી