૮૫૦૦ કરોડના કૌભાંડ મામલે આદર્શ ક્રેડિટ કો. ઓ.સો. સામે CID ક્રાઇમનો સકંજો

486

કરોડોના કૌભાંડ મામલામાં આદર્શ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી સામે સીઆઇડી ક્રાઇમે સકંજો કસ્યો છે. ગુજરાત સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં સોસાયટીના સ્થાપક મુકેશ મોદી, એમડી સમીર મોદી સહિત ૧૯ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરુ કરાઈ છે.

મળતી માહિતી પ્રમાણે આદર્શ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના કરોડોના કૌભાંડના મામલામાં હવે ગુજરાત સીઆઈડી ક્રાઈમ હરકતમાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનના લાખો રોકાણ કારોના કરોડો રુપિયાનું ફુલેકુ ફેરવનાર આદર્શ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી સામે ગુનો નોંધી સીઆઈડી ક્રાઈમએ તપાસ હાથ ધરી છે.

અંદાજે ૨૦ લાખ રોકાણકારોના ૮૫૦૦ કરોડનું આ કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલામાં સીઆઈડી ક્રાઈમે ઉસ્માનપુરા તેમજ ખેડબ્રહ્મા સ્થિત સોસાયટીની મુખ્ય ઓફિસમાં દરોડા પાડ્‌યા હતા. અને વાંધાજનક દસ્તાવેજો સીપીયુ કબ્જે કર્યા છે. સમગ્ર ગુજરાતમાં આદર્શ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીની ૭૫ જેટલી બ્રાન્ચ છે.

આ કૌભાંડમાં સોસાયટીના સ્થાપક મુકેશ મોદી, એમ.ડી. સમીર મોદી સહિત ૧૯ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આદર્શ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના સ્થાપક મુકેશ મોદી સહિત આરોપીઓએ મલ્ટી લેવલ સ્ટેટ ક્રેડિટ સોસાયટી ઉભી કરીને રોકાણકારોને લોભામણી જાહેરાતો આપીને કરોડો રુપિયા ઉઘરાવી લીધા હતા.

રોકાણકારોને પાકતી મુદ્દતે નાણા નહીં આપતા રાજસ્થાનમાં છેતરપિંડની ફરિયાદ થઈ હતી. જે મામલામાં સીઆઈડી ક્રાઈમે તપાસ શરુ કરી છે. અને ૧૯ લોકો સામે ગુનો નોંધાયો છે. હાલમાં આ આરોપીઓ જયપુર જેલમાં બંધ છે. જેમને ટ્રાન્સફર વોરન્ટના આધારે અમદાવાદ લાવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

Previous articleતહેવારને પગલે તમામ જિલ્લાઓમાં ભેળસેળિયો ખોરાક વેચતા વેપારીઓ સામે કાર્યવાહી, ૧૧૨ નમૂના લેવાયા
Next articleમનપામાં સમાવાયેલાં શહેરી ગામો ૭ વર્ષે પણ સુવિધાથી વંચિત