જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક દરેક કૃત્યો કરવામાં આવી રહ્યા છે. સરહદના જુદા જુદા વિસ્તારમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના ગોળીબારના કારણે સરહદ પર સ્થિતી વિસ્ફોટક સ્થિતી છે. અંકુશરેખા પરના નાગરિક વિસ્તારો અને અગ્રિમ ચોકી ઉપર પાકિસ્તાને ભીષણ ગોળીબાર કર્યો છે. તોપમારો પણ કર્યો છે. યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સંરક્ષણ પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું હતું કે, આજે સવારે ૫.૩૪ વાગે અંકુશરેખા નજીક પૂંચ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. નાના અને ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કરાયો હતો. ભારતીય જવાનોએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો. કલાકો સુધી સામ સામે ગોળીબાર ચાલ્યો હતો. પૂંચના માનકોટે સબ સેક્ટરમાં પણ ભીષણ તોપમારો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૩મી ઓગસ્ટના દિવસે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ચાર વખત ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને નવશેરા, માનકોટે અને ઉત્તર કાશ્મીરમાં ગોળીબાર કર્યો હતો જેના લીધે ત્રણ ભારતીય જવાનો ઘાયલ થયા હતા.
૧૨મી જુલાઈના દિવસે પાકિસ્તાની સૈનિકોએ કૃષ્ણાઘાટી અને પૂંચ સેક્ટરમાં અગ્રિમ ચોકીઓ અને નાગરિક વિસ્તારોમાં ભીષણ ગોળીબાર કર્યો હતો જેમાં એક જેસીઓનું મોત થયું હતું અને એક મહિલાનું પણ મોત થયું હતું. આર્મીના ઓફિસર જેસીઓના મોત બાદ પાકિસ્તાન સામે જોરદાર જવાબી કાર્યવાહી કરાઈ હતી. ૧૨ ઓગસ્ટના દિવસે પણ પાકિસ્તાને બે વખત ગોળીબાર કર્યો હતો.