પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ આજે પત્રકાર પરિષદ યોજીને આને રાજકીય કાવતરા તરીકે ગણાવીને વ્યક્તિગત બદલાની ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહી તરીકે ગણાવી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થાની હાલત કફોડી બનેલી છે. લોકોની નોકરી જઈ રહી છે. ડોલર સામે રૂપિયાનું પતન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે મોદી સરકાર દ્વારા આ રમત રમવામાં આવી છે. કેટલીક ચેનલ સરકારની કઠપુતળી બનીને કામ કરી રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ સત્યમેવ જયતેનો નારો આપતા કહ્યું હતું કે, તપાસ બાદ તમામ બાબતો સપાટી પર આવી જશે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, મોદી સરકાર બન્યાના છ વર્ષ બાદ ૧૦ વર્ષ જુના કેસમાં તેમને ફસાવવામાં આવી રહ્યા છે.
જેલમાં રહેલી એક એવી મહિલાને આધાર બનાવવામાં આવી છે. જેમના પર પોતાની પુત્રીની હત્યા કરવાનો આક્ષેપ છે. ૪૦ વર્ષ સુધી રાજકીય જીવનમાં ઈમાનદારીથી આગળ વધનાર ચિદમ્બરમને ફસાવવામાં આવ્યા છે. બદલા લેવાની એજન્સી તરીકે સીબીઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરજેવાલાએ કહ્યું હતું કે, ચિદમ્બરમ અને તેમના પુત્ર ૨૦થી વધુ વખત ઈડી અને સીબીઆઈ સમક્ષ હાજર થઈ ચુક્યા છે. છતાં હજુ સુધી એક શબ્દ પણ જનતાની સમક્ષ રજુ કરી શકી નથી. આ કેસ ૧૨ વર્ષ જુનો છે. સુરજેવાલાએ કહ્યું કે, છેલ્લાં કેટલાક દિવસોથી દેશમાં લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. જે પ્રમાણે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનાથી સ્પષ્ટ જોવા મળે છે કે, મોદી સરકાર તેમના વિરુદ્ધ રાજકીય દ્વેષથી કામ કરી રહી છે. સુરજેવાલાએ કહ્યું છે કે, કાયદાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એક તરફ દેશની અર્થવ્યવસ્થાની ગતિ ઘટી રહી છે. આ જ કારણ છે કે, મોદી સરકાર લોકોનું ધ્યાન ડાઈવર્ટ કરવા માટે આ એક્શન લઈ રહી છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકાર માત્ર પી. ચિદમ્બરમ નહીં પરંતુ તેમના દીકરા કાર્તિ સામે પણ આકરા પગલાં લઈ રહી છે. તેમની માત્ર એક જ અપ્રૂવરના નિવેદનના આધારે ધરપકડ કરવામાં આવી રહી છે. અને તે પણ એવા વ્યક્તિનું નિવેદન જેના પર તેની દીકરીની હત્યાનો આરોપ છે. સુરજેવાલાએ કહ્યું કે, ૪૦ વર્ષ સુધી દેશની સેવા કરનાર નેતાની ધરપકડ કરી લેવામાં આવી છે. એજન્સીઓ પાસે તેમની વિરુદ્ધ કેસ ચલાવવા માટે કોઈ મજબૂત આધાર પણ નથી.