શહેરના ઘોઘાગેટ ચોક ખાતે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગાર યુવાનોના ફોર્મ અને રજીસ્ટ્રેશન કરવાનો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો. જેમાં ભાવનગર શહેરના ૧પ૦૦ ઉપરાંત બેરોજગાર યુવાનોએ પોતાના નામોની નોંધણી કરાવી હતી.
કોંગ્રેસના આગેવાનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભાજપના રાજમાં યુવાનોને સામાન્ય રોજગારી પણ મળતી નથી તેવા સમયે ન છુટકે ઘણા યુવાનો ભાવનગરમાંથી સ્થળાંતર કરે છે. આવા બેરોજગાર યુવાનોને આગામી ચૂંટણીઓમાં ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો રોજગારી અથવા તો માસીક બેરોજગારી ભથ્થુ ચુકવાશે તેવું વચન આપવામાં આવ્યું છે. જેમાં ધો.૧ર સુધી અભ્યાસ કરેલા બેરોજગારોને રૂા.૩૦૦૦ તથા ગ્રેજ્યુએટને રૂા.૩પ૦૦ તથા પોસ્ટ ગ્રેજ્યુએટને રૂા.૪૦૦૦ સુધીનું બેરોજગારી ભથ્થુ અપાશે. આ ઉપરાંત લઘુ ઉદ્યોગ માટે ઓછા વ્યાજની લોન મળી રહે તે માટે નવસર્જન યુવા રોજગાર અભિયાન અંતર્ગત આજરોજ ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોક ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગાર યુવાનોની નોંધણી કરવાનો કાર્યક્રમ અપાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોશી, ભાવ. મ્યુ. વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, શહેર નિરીક્ષક પી.ટી. શાહ સહિતના આગેવાનો અને કોંગી કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને બેરોજગારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા.