પાટણ અગ્નિકાંડમાં ભાનુભાઈ વણકરના આત્મદાહનો મામલો આજે ગાંધીનગરમાં વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસે દર્શાવેલા આક્રમક વિરોધને પગલે ગૃહને મુલતવી રાખવામાં આવ્યું હતું. આ મામલે કોંગ્રેસના કિરિટ પટેલ અને જિગ્નેશ મેવાણી દ્વારા ભાજપ પર કેટલાંક આરોપો કરવામાં આવ્યા હતા. તો અનેક મુદ્દા ઉઠાવીને ભાજપને ઘેરવામાં આવી હતી. કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દામાં ભાનુભાઈ વણકરના આત્મદાહની ઘટના સમયે ફાયર સ્ટેશન હાજર હોવા છતાં તેની મદદ કેમ લેવામાં ન આવી તે મુદ્દો ઉઠાવાયો હતો તો ભાજપ દ્નારા ભાનુભાઈના પરિવારજનોએ કરેલી માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો હોવા છતાં, આટલા દિવસો બાદ સ્થિતિ ઠેરની ઠેર હોવાનું જણાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપને નિશાન બનાવવામાં આવી હતી. કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દાઓનો જવાબ ભાજપના ગૃહ વિભાગના વડા પ્રદિપસિંહ જાડેજાએ આપ્યો હતો. જ્યારે જીતુ વાઘાણીએ આ મામલે ભાજપે પણ કોઈના મોત પર રાજકીય રોટલાં શેકવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો હતો. ગૃહ મુલવતી રહ્યાં બાદ જિગ્નેશ મેવાણીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ભાનુભાઈના આત્મદાહને મુદ્દે એસઆઈટી રચના અને ન્યાયી તેમજ નિષ્પક્ષ તપાસની માંગણી દોહરાવી હતી. ભાનુભાઈની માંગણીઓનો સત્વરે ઉકેલ આવે તેવી માંગણી કરી હતી. જો કે જિગ્નેશ મેવાણીએ ભાજપ પર દલિતો પ્રત્યે ઓરમાયુ વર્તન કરવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાનુભાઈના આત્મદાહના મુદ્દે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી.આ મુદ્દે શૈલેષ પરમારે પણ સરકારે સ્વીકારેલી માંગણી ગૃહમાં રજૂ કરવા માંગણી કરી હતી. આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું.જ્યારે આ મામલે જીતુ વાઘાણીએ સરકાર દ્વારા અતિ ઝડપી કાર્યવાહી કરવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે રાજકારણ કરીને કોંગ્રેસ દ્વારા રાજકીય રોટલા શેકવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ
ભાનુભાઈએ જે કારણે આત્મદાહ કરવાનો નિર્ણય લીધો તે જમીનનો મુદ્દો, ૬ મહિનામાં જમીનનો મુદ્દો કેવી રીતે સુલટાવાશે તે વિશે પૂછ્યા પ્રશ્ન ભાનુભાઈએ આત્મદાહ કરતા સરકારે કેમ કાર્યવાહી કરી બચાવ ન કર્યો તે મુદ્દો ફાયર ફાયટરની હાજરી હતી તો પછી તેનો કેમ ઉપયોગ કરાયો તે મુદ્દો
પાટણની આત્મદાહની ઘટનાને દલિત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારનું પ્રતિબિંબ :પરેશ ધાનાણી
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં પાટણના દદુખા ગામના ભાનુપ્રસાદ વણકરે પાટણ કલેક્ટર કચેરીમાં કરેલાં આત્મદાહ અંગેની નિયમ-૧૧૬ની નોટિસની ચર્ચામાં જણાવ્યું હતું કે, પાટણની આત્મદાહની ઘટનાને દલિત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારનું પ્રતિબિંબ છે. દલિતના દીકરાને પોલીસની નજર સામે અસામાજિક તત્વોના ડંડે ટીચાવું પડે, દલિતના દીકરાને થાનમાં પોલીસની ગોળીઓથી વિંધાવું પડે, પોતાના પરીવારના જીવનનિર્વાહ માટે સરકારી જમીનનો એક ટૂકડો મેળવવા મુખ્યમંત્રીની કચેરીની જાણ તળે પાટણની કલેક્ટર કચેરીમાં અગ્નિસ્નાન કરવું પડે તેવી દયનીય સ્થિતિ ભાજપની સરકારે ઊભી કરી છે. ભાજપની સરકારમાં દલિતો પર અત્યાચાર વધ્યા હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, દલિતોની સમસ્યાને વાચા આપવા એક દલિતનો દીકરો વિધાનસભામાં પ્રથમ વાર બોલવા ઊભો થાય તો તેમને બોલવાથી રોકવામાં આવે છે. એક દલિત પરિવારના મોભીએ સરકારી જમીનના ટૂકડા માટે વ્યવસ્થા સામે વિરોધ નોંધાવવા માટે શહીદ થવું પડે અને આ અવ્યવસ્થા સામે આંદોલનનું નેતૃત્વ કોઈ કરે તો પોલીસ અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં તેમના નકલી એન્કાઉન્ટરના સંદેશા વહેતા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના પરથી એવું લાગે છે કે, ભાજપના નેતૃત્વમાં લોકશાહી મરી પરવારી છે અને સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થાએ સામાન્ય માણસની વેદનાને સત્તાની એડીએ કચડવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે.
ભાજપ સરકાર સમઢિયાળામાં દલિતો પર થયેલાં અત્યાચારનો પ્રત્યુત્તર વિધાનસભામાં આપી શકતી નથી અને થાનમાં દલિત નવયુવાનો ગોળીએ મારવાની ઘટનાનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવાનો સ્પષ્ટ નનૈયો ભણે છે. પાટણમાં સરકારી તંત્ર-સરકારી વ્યવસ્થા અને દલિત વિરોધી નીતિ સામે પોતાના કિંમતી જીવનને અગ્નિદાહ દેવાનું કૃત્ય કર્યું. જે વ્યવસ્થાને લઈને આ ઘટના બની એ વ્યવસ્થા સુધારવામાં ભાજપ સરકાર સુધારવાની ખાતરી આપવાને બદલે નનૈયૌ ભણી રહી છે. ભાજપે આ ઘટનાને સંવેદનશીલતાથી લેવાને બદલે રાજકીય ત્રાજવે તોલવાનો પ્રયાસ કર્યો છે. નગરપાલિકાનું શાસન વહીવટીવડા દ્વારા થતું હોય છે, તેમાં ભાજપ-કોંગ્રેસનો સિક્કો હોતો નથી. છતાં સરકારના જવાબદાર ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અસંવેદનશીલતાની પરાકાષ્ઠા સાથે એક દલિત પરિવારના દીકરાના મૃત્યુને ભાજપ-કોંગ્રેસના શાસન સાથે મૂલવીને દલિતોની મૂળભૂત માગણીની અવગણના કરી છે એમ તેમણે જણાવ્યું છે.
ગુજરાતમાં દલિત પરિવારની વેદનાને વાચા આપવાનું એક દલિત ધારાસભ્યએ પ્રથમ વાર પ્રયાસ કર્યો-અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો સત્તા-બહુમતીના જોરે અવાજ રૂંધવાનો પ્રયાસ કર્યો છે. વિ.સભાને દલિતોની પીડાની ચર્ચામાંથી બચાવવા માટે ગૃહ મુલતવી રાખવામાં આવ્યું છે, એ સંસદીય ઈતિહાસમાં કાળા અક્ષરે લખાશે એમ અંતમાં વિરોધપક્ષના નેતાએ જણાવ્યું છે.
ભાજપની સરકારને દલિત વિરોધી સરકારને જવાબદેહ બનાવવાનો કોંગ્રેસનો પ્રયાસ રહેશે. સરકારે શું પગલાં લીધા તેની જાણકારી માગવાનો પ્રયાસ કરીશું. પાટણના મુદ્દાને વ્યક્તિકેન્દ્રીત બનાવી રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો છે.
પાટણ આત્મવિલોપનની ઘટનાને લઇ ગૃહમંત્રી પ્રદિપસિંહનો ખુલાસો
પાટણ કલેક્ટર કચેરીમાં ભડકે બળેલા આંબેડકરવાદી ભાનુપ્રસાદ વણકરના આત્મદાહનાં મામલો આજે વિધાનસભામાં ગરમાયો હતો. ભાનુભાઈ વણકરના આત્મદાહનાં મામલે વિધાનસભામાં કૉંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યો દ્વારા સરકાર સામે સીધા સવાલ કરવામાં આવ્યા હતાં. જેમાં કોંગ્રેસે દર્શાવેલા આક્રમક વિરોધને પગલે ગૃહને મુલતવી રાખવામાં આવ્યું હતું. આ મામલે કોંગ્રેસના કિરિટ પટેલ અને જિગ્નેશ મેવાણી દ્વારા ભાજપ પર કેટલાંક આરોપો કરવામાં આવ્યા હતા. જ્યારે જીતુ વાઘાણીએ આ મામલે ભાજપે પણ કોઈના મોત પર રાજકીય રોટલાં શેકવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો હતો.ત્યારે પાટણ આત્મવિલોપન ઘટના મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંહ કુલાસો કરતા નિવેદન આપ્યું છે કે,”આત્મવિલોપનની ઘટનામાં ૨ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાશે, સાથે જ પ્રદીપસિંહે કહ્યું કે, સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે અને હજુ પણ આ મુદ્દે ૬ મહીના સુધી રજૂઆત સ્વીકાર કરવામાં આવશે”.