રાજ્યની પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોએ જ્યાં નોકરીની ફરજ બજાવતાં હોય ત્યાં જ રહેવાનો નિયમ છે. પરંતુ મોટા ભાગના શિક્ષકો આસપાસના શહેરમાં વસવાટ કરતાં હોય છે અને ત્યાંથી જ અપડાઉન કરતાં હોય છે. મહત્ત્વનું છે કે, નોકરીના સ્થળથી દૂરના વિસ્તારથી અપડાઉન કરતા હોવા છતાં સરકાર પાસેથી હાઉસ રેન્ટ એલાઉન્સનો લાભ લેતા હોય છે. જેથી આવા દૂરથી અપડાઉન કરતાં શિક્ષકો પર શિક્ષણ વિભાગે તવાઈ લાવતો પરિપત્ર જારી કર્યો છે. જેમાં સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, નોકરીના ફરજ સ્થળથી દૂરના અંતરથી અપડાઉન કરતાં શિક્ષકોના હાઉસ રેન્ટ એલાઉન્સ અટકાવી દેવામાં આવશે. જેના સંદર્ભે તાજેતરમાં એક જિલ્લાના ડીપીઓએ પરિપત્ર કરી અમલવારી પણ શરૃ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક શાળાના શિક્ષકોને પોતાના વિસ્તારની અન્ય જિલ્લામાં નોકરીનો ઓર્ડર આવે તો તેવા સંજોગોમાં શિક્ષકોના રહેવા માટે હાઉસ રેન્ટ એલાઉન્સ ચૂકવવામાં આવે છે. પરંતુ હાઉસ રેન્ટ એલાઉન્સ ચૂકવવા પાછળનો હેતુ એવો હોય છે કે, શિક્ષક તેના નોકરી સ્થળ પર રહે એટલે કે, જે ગામમાં નોકરી કરતો હોય તે ગામમાં વસવાટ કરે અથવા તો તેનાથી સાવ નજીકમાં વસવાટ કરે. પરંતુ અત્યારે મોટાભાગનાા શિક્ષકો નોકરી સ્થળથી ૩૫થી ૪૦ કિ.મી દૂરના શહેરોમાં રહેવા લાગ્યા છે. અને ત્યાંથી અપડાઉન કરે છે.ઉલ્લેખનીય છે કે, નોકરી સ્થળથી દૂર રહેતા શિક્ષકો સ્કૂલે મોડા આવતા હોય છે અને ઘરે જવા વહેલા નીકળી જતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે.
આ ઉપરાંત ફરજ બજાવતો શિક્ષક પ્રાઈવેટ ટયૂશન ચલાવી શકે નહી તેવો નિયમ છે અને તેની શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર સૂચના પણ આપવામાં આવે છે. તેમ છતાં આવા શિક્ષકો નોકરી સ્થળની અન્ય શહેરમાં રહી પ્રાઇવેટ ટયૂશન ક્લાસિસો પણ ચલાવી રહ્યાં છે. જેને લઈ મૂળ સ્કૂલના વિદ્યાર્થીઓ પર અપૂરતું ધ્યાન આપતા હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. જેને લઈ શિક્ષણ વિભાગે પરિપત્ર કરી સૂચના આપવી પડી હોવાનું જાણવા મળ્યું છે.