પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે પશુપાલન અને ડેરી ઉદ્યોગ પૂરક વ્યવસાય છે ત્યારે આ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે રાજ્યના પશુપાલકો-ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાત વેટરનરી એસોસિએશન અને પશુપાલન વિભાગના સંયુકત ઉપક્રમે પશુ ચિકિત્સકોને નૈતિક પશુ ચિકિત્સા પ્રેક્ટિસથી વાકેફ કરવાના હેતુથી ‘વેટરનરી લોઝ એન્ડ એથિક્સ’ વિષયક યોજાયેલ સેમિનારનું ઉદઘાટન કરતા પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, જીવને જીવ આપવામાં પશુ ચિકિત્સકોનું મહત્વનું યોગદાન છે. પશુપાલકો અને ખેડૂતોને અનેકવિધ યોજનાઓ થકી લાભો પૂરા પાડી રાજ્યને વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નીલ છે. મંત્રી બાવળીયાએ વધુમાં ઉમેર્યું કે, આજે પશુપાલન વ્યવસાય ગ્રામ્યસ્તરે પૂરક વ્યવસાય બની રહ્યો છે. ખેડૂતો અને પશુપાલકો માટે પશુપાલન વ્યવસાય મહત્વનો વ્યવસાય હોવાથી રાજ્ય સરકારે પશુપાલન વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ માટે અનેકવિધ નવતર પહેલ કરી છે. ખેડૂત સમૃદ્ધ તો ગામડા અને શહેરો સમૃદ્ધ, ગામડા અને શહેરો સમૃદ્ધ તો ગુજરાત સમૃદ્ધના મંત્રને ગુજરાતે આજે આત્મસાત કર્યો છે. દરેક પશુ ચિકિત્સકે નવું વૈજ્ઞાનિક ઢબે જ્ઞાન પ્રાપ્ત કરી તેનો અમલ કરવા અને અન્યને પણ આ જ્ઞાનથી લાભાન્વિત કરવાની દિશામાં કાર્ય કરવું જોઇએ. પશુ ચિકિત્સકોને પશુધનના માલિકોને વૈજ્ઞાનિક ઢબે માર્ગદર્શન મળી રહે તે રીતે પ્રયત્નો કરવા જોઇએ. મંત્રીએ પશુ ચિકિત્સકોને તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે પશુપાલન નિયામક ડૉ. એ.જે.કાછીયાપટેલે ‘વેટરનરી લોઝ એન્ડ એથિક્સ’ વિષયને પશુ ચિકિત્સકો માટે ખૂબ જ મહત્વનો વિષય ગણાવતાં કહ્યું કે, આ સેમિનારનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ આઈવીસી અને જીવીસી અધિનિયમ સંદર્ભે પશુ ચિકિત્સકોને નૈતિક પશુ ચિકિત્સા પ્રેક્ટિસથી વાકેફ કરવાનો છે.
પશુ ચિકિત્સકો પશુઓની સુખાકારી અને જાહેર આરોગ્યની સુધારણામાં રોકાયેલા ઉમદા વ્યવસાયનો ભાગ છે. પશુ ચિકિત્સકો દરેક પરિસ્થિતિ અને સંજોગોમાં પશુ ચિકિત્સા સેવાઓ પૂરી પાડે છે. પશુ ચિકિત્સકો પશુધનની સુખાકારી માટે જવાબદાર છે અને દેશના પશુધન ઉત્પાદન અને વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. પશુ ચિકિત્સા ન્યાયશાસ્ત્રમાં પ્રાણી કલ્યાણ સંબંધિત ઘણા કાયદા છે જેના માર્ગદર્શન માટે આ સેમિનારનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ગુજરાત વેટરનરી એસોસિએશનના ઉપપ્રમુખ ડૉ. ફાલ્ગુનીબેન ઠાકરે જણાવ્યું કે, પશુ ચિકિત્સકોએ પ્રાણી કલ્યાણના કાયદાઓની સાથે સાથે પશુ ચિકિત્સાની નૈતિક ફરજો પણ ધ્યાને રાખવી જોઇએ. પશુ ચિકિત્સકોએ પશુપાલન સંબંધિત કાયદાઓથી માહિતગાર થવાની સાથે કાયદાઓનું પાલન કરવું પણ અત્યંત જરૂરી છે.