ગુજરાતમાં મોનસુન ફરી એકવાર જોરદારરીતે સક્રિય થઇ ગયું છે જેના લીધે વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદનો દોર જારી રહેતા અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સુરતમાં અતિભારે વરસાદ થયો છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. જેસલમેર, સવાઈમોધોપુર, રોડકેલા, બાલાસોર મારફતે દરિયાઈ સપાટી ઉપર મોનસુન પસાર થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારે વરસાદ જારી રહેવાની શક્યતા છે. છોટાઉદેપુરમાં આઠ ઇંચ અને હાલોલમાં સાત ઇંચથી વધુ વરસાદ થયો છે. પાવીજેતપુર અને ક્વાંટમાં પણ ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત આણંદ અને વડોદરામાં પણ ઉલ્લેખનીય વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં મોડીરાતથી અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની મહેરના કારણે ફરી એકવાર ચોમાસાનો માહોલ અને ઠંડુ વાતાવરણ સર્જાયા હતા. સવારે છ થી બપોરે બે વાગ્યા સુધીમાં છોટાઉદેપુરમાં સૌથી વધુ આઠ ઇંચ અને પંચમહાલના હાલોલમાં પણ સાત ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જેને પગલે આ પંથકોમાં અને તેની આસપાસના વિસ્તારોમાં નદી-નાળાઓ છલકાયા હતા. ભારે વરસાદના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં અને ગામો એલર્ટ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અરબી સમુદ્રમાં વધુ એક સીસ્ટમ સક્રિય બનતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની શકયતા છે. જો કે, પાંચ દિવસ બાદ ફરીથી વરસાદ સિસ્ટમ સક્રિય બને તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તા.૨૯ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ત્યારબાદ બે દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. દરમ્યાન ગુજરાત રાજયમાં અત્યાર સુધી ૫૧ તાલુકાઓમાં ચોમાસાની સીઝનનો ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ૧૧૫ તાલુકાઓમાં ૨૦ ઇંચથી ૪૦ ઇંચ, ૮૧ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઇંચ અને ૬ તાલુકાઓમાં ૫થી ૧૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજયમાં સીઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ૬૦ ઇઁચથી વધુ નોંધાયો છે.
રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ ૯૧ ટકાથી વધુ સારો વરસાદ નોંધાયો છે. જૂન મહીનામાં ૪ ઇંચ, જુલાઈ મહીનામાં ૯ ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહીનામાં ૧૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવી રીતે સીઝનનો કુલ ૩૦ ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ફરી એકવાર વરસાદી સીસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સીસ્ટમ સક્રિય બનતા ગુજરાતને પાંચ દિવસ સારો વરસાદ મળશે અને પાંચ દિવસ બાદ પણ વધુ એક સીસ્ટમ સક્રિય થાય તો તેની અસર પણ જોવા મળે. મેઘરાજાએ આજે મધ્ય ગુજરાત અને તેની આસપાસના પંથક-વિસ્તારોમાં જોરદાર મહેર વરસાવી હતી. જેમાં છોટાઉદેપુર પથંકમાં ભારે અનએ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેને પગલે સ્થાનિક ઓરસંગ, કરા, અશ્વિન, અને હેરણ નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. વરસાદી નવા નીરની આવક વધતાં સુખી ડેમના ૬ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને, છોટાઉદેપુર જિલ્લા કલેકટરે ટિ્વટ કરીને અને અધિકારીઓને સ્થળ પર મોકલી સૂચના મારફતે લોકોને સાવચેત કર્યાં હતા. નસવાડીના ગઢ બોરિયાદ પાસે કોઝ વે પર વરસાદી પાણીના પૂરમાં એક કાર તણાઇ હતી, જેમાં ચાર લોકો સવાર હતા. જો કે, સ્થાનિક લોકોએ જીવના જોખમે કારમાંથી ચારેય લોકોને સહીસલામત બહાર કાઢી બચાવી લીધા હતા. મેઘરાજાની કૃપાને લઇ આજે છોટાઉદેપુર, પાવીજેતપુર અને કવાંટ પથંકમાં છ-છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સંખેડામાં ૨, નસવાડી અને બોડેલીમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓ ગાંડીતુર બની હતી અને તમામ નાળાઓ પણ છલકાઇ ગયા હતા. છોટાઉદેપુરમાં એમજીવીસીએલના ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. છોટાઉદેપુરના વિવિધ વિસ્તારોમાં કેડ સમાં પાણી ભરાઇ ગયા હતા. એમજીવીસીએલના સબ સ્ટેશનમાં ત્રણ કર્મચારીઓ ફસાયા હતા. ભારે વરસાદના કારણે ચલામડી શાળામાં રજા જાહેર કરી દેવાઇ હતી. કોતરમાંથી પાણી આવતા બોડેલી-ચલામલી વચ્ચે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. નાનીવાટ અને સાલપુરા ગામના ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં કેડ સમા પાણી ભરાઇ જતા પાકને ભારે નુકસાન થયું હતું, જેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. છોટાઉદેપુર નગરના શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઇ ગયા છે. ઘૂટણસમાં પાણીથી લોકો પરેશાન થઇ ગયા હતા.
ગોલ્ડન બ્રીજ પર નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી
કેવડિયા ખાતે ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી હાલ ૧૩૩.૮૪ મીટર પર પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી ૫,૫૫,૦૨૧ ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમના ૨૩ દરવાજા ખોલીને હાલ ૪,૦૪,૯૦૦ ક્યૂસેક પાણી નર્મદામાં છોડાઈ રહ્યું છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારના ૪૦થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રિવરબેડ પાવર હાઉસ અને ૨૩ ગેટ બંને મળીને ૪,૭૧,૫૯૬ ક્યૂસેક પાણી નર્મદામાં ઠલવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ગોર બ્રિજ ઉપરથી ત્રણ મીટર પાણી વહી રહ્યું છે. જેથી નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠાના ૪૦થી વધુ ગામોને એલર્ટ કરી દેવાયા છે. ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજ નીચેથી પસાર થતી નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની ૨૫.૨૫ ફૂટે પહોંચી ગઇ છે. જેને પગલે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં પણ જળસપાટી વધી રહી છે અને ડેમમાં પણ જળસ્તર વધતાં ખેડૂતઆલમમાં ભારે ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. ખાસ કરીને ખેડૂતોને હવે ખેતી અને સિંચાઇના પાણી મળવાની ચિંતા હલ થઇ ગઇ હોઇ સારા પાકની આશા બંધાઇ છે.