પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજના નાના, સિમાંત ખેડુતોને સામાજીક સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાના/સિમાંત એટલે કે ૨ હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડુતોને ૬૦ વર્ષની ઉંમર પુર્ણ થયે માસિક રૂપિયા ૩૦૦૦/- પેન્શન આપવામાં આવશે.આ સ્વૈચ્છિક યોગદાન આધારીત પેન્શન યોજના છે. આ યોજનામાં ભારતીય જીવન વિમા નિગમ સંચાલિત પેન્શન નિધિમાથી ખેડુતોને પેન્શન આપવામાં આવશે.
આ યોજનામાં ૧૮ થી ૪૦ વર્ષના નાના સિંમાત ખેડુત ખાતેદાર જોડાવા પાત્ર છે. ખેડુતોને ઉંમર પ્રમાણે રૂ.૫૫ થી રૂ.૨૦૦ નિયત કરેલ યોગદાન પ્રતિમાસ પેન્શન નિધિમાં જમા કરાવવાનુ રહેશે, કેન્દ્ર સરકાર પણ ખેડુતની જમા કરેલ રકમ જેટલો જ હિસ્સો પેન્શન ફંડમાં જમા કરાવશે. નાના/સિંમાત ખેડુતોમાં પતિ -પત્ની આ યોજનામાં અલગ અલગ જોડાવા માટે પાત્રતા ધરાવે છે. આ યોજનામાં જોડાયેલ ખેડુત પાછળથી યોજના કોઇ કારણસર છોડવા માંગતા હોય તો, પેન્શન નિધિમાં તેમના દ્વારા જમા કરેલ યોગદાન વ્યાજ સહિત પરત કરવામાં આવશે.
આ યોજનામાં જોડવા માટે અરજીની નોધણી તદ્દન નિશુલ્ક કરવામાં આવશે. યોજનામાં જોડાવા માટે ખેડુતોએ પોતાના ગામના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર આધારકાર્ડ, બેંક પાસબુક નકલ સાથે રાખી સેન્ટર પર અરજી કરી શકાશે. આ યોજનાની વધુ માહિતી માટે ગામના તાલાટી કમ મંત્રી, ગ્રામસેવક તથા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવા અનુરોધ છે.