શહેરમાં આવેલા એસટી ડેપોમાં થોડા સમય અગાઉ જ રિનોવેશનની કામગીરી કરવામાં આવી હતી. આમ ડેપોના છતમાંથી ચોમાસાની મોસમમાં ટપકતું પાણી નબળી કામગીરીની પોલ ખોલી રહ્યું છે. હાલમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદ ચાલુ રહેતાં ડેપોના છતમાંથી પણ પાણી પડતાં મુસાફરો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.
ગાંધીનગર એસટી ડેપોમાં મુસાફરોને યોગ્ય સુવિધા મળી શકે તે માટે તંત્ર દ્વારા વિવિધ આયોજનો તો હાથ ધરવામાં આવે છે પરંતુ કામગીરી ગુણવતા વગરની કરવામાં આવતી હોય તેમ લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ પરિસ્થિતિ જૈ સે થે જોવા મળતી હોય તેમ હાલમાં ચાલી રહેલી ચોમાસાની મોસમમાં મુસાફરોને પણ ટપકતી છત નીચે બસની રાહ જોવાની નોબત આવી છે.
તંત્ર દ્વારા સમારકામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પાણીમાં ગયો હોય તેમ છેલ્લા બે દિવસથી શહેરમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે ડેપોના ધાબા ઉપર પણ પાણી ભરાવાના કારણે ટપકતું પાણી મુસાફરોને હેરાન પરેશાન કરી રહ્યું છે.
ત્યારે રોજના અસંખ્ય મુસાફરોની અવર જવર વાળા ડેપોમાં વરસાદી મોસમમાં બસની રાહ જોતાં મુસાફરોને પણ સતત ટપકી રહેલાં પાણીના કારણે ત્રસ્ત થવું પડે છે. તંત્ર દ્વારા ગુણવતા વગરની કામગીરી કરવામાં આવી હોય તેવું હાલની પરિસ્થિતિએ નજરે પડી રહ્યું છે.