ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં હોય જેમાં દહેજ ખાતે ભારે જહેમત બાદ લીંકસ્પાનનું સફળતાપૂર્વક જોડાણ કરવામાં આવ્યું છે. દહેજ ખાતે કામગીરી પૂર્ણ કરી ટેકનીકલ ટીમનો વિશાળ કાફલો ઘોઘા આવવા રવાના થયો હોવાનું જાણવા મળ્યું છે અને નિર્માણ કાર્ય અંતિમ તબકકામાં છે અને પ્રોજેક્ટ પૂર્ણતાના આરે પહોંચ્યો છે.
ભાવેણાવાસીઓ સહિત લાખો લોકો જેની ૬૮ માસથી કાગડોળે રાહ જોઈ રહ્યાં છે એવી મહાયોજના ‘ઘોઘા દહેજ રો-રો ફેરી’ સર્વિસ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને સમુદ્રી માર્ગે પરિવહન સેવા થકી જોડનારી એશીયાની સૌથી મોંઘી રૂા.રર૩ કરોડના ખર્ચે નિર્માણ પામી રહી છે. ૬૮ માસના અંતે ૯૦ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચુક્યું છે અને અંતિમ એવા લીંકસ્પાનનું જોડાણ પણ પૂર્ણ થવાના આરે છે. ઘોઘા તથા દહેજ જીએમબી અને બન્ને સાઈટ પર કામ કરતા એસ.આર. કંપનીના માહેર ટેકનિશ્યનોએ છેલ્લા ૪૮ કલાકથી દિવસ-રાત એક કરી આજે સવારે સમુદ્રમાં વહેલી પરોઢથી શરૂ કરી સવારે ૧૦-૩૦ કલાકે મુખ્ય સ્ટ્રક્ચર સાથે લીંકસ્પાનનું સફળતાપૂર્વક જોડાણ કર્યુ હતું.
હાઈટાઈડ ભરતી અને ટેકનીકલ ટીમની અથાગ મહેનતને લઈને લીંકસ્પાનનું જોડાણ થતા નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા લોકોમાં ભારે હર્ષ વ્યાપ્યો હતો તો બીજી તરફ આ માસના અંતે ફેરી સર્વિસ શરૂ થવાની નવી આશાઓ પ્રબળ બની છે. દહેજ ખાતે કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર કાફલો ઘોઘા આવવા રવાના થયો છે અને રવિવાર સવારથી ઘોઘા ખાતે લીંકસ્પાન જોડાણની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું અધિકારીગણે જણાવ્યું હતું.
વધુમાં ઉમેર્યુ હતું કે, કુદરતી પરિબળો સાનુકુળ રહેશે તો દહેજ બાદ ઘોઘામાં પણ સલામતીપૂર્વક ર૪ કલાકના સમયમાં લીંકસ્પાનનું જોડાણ કરી દેવામાં આવશે. અત્રે નોંધનિય છે કે, સમગ્ર પ્રોજેક્ટને લઈને ખુદ વડાપ્રધાન અંગત રસ લઈ રહ્યાં છે અને આગામી વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે ફેરી સર્વિસ સેવા શરૂ કરવાની નેમ ધરાવે છે.