સુઈગામ તાલુકાના ભટાસણા અને બેણપ ગામના બે જાતિના લોકોની સોશિયલ મીડિયા પરની લડાઈ થઈ હતી. ત્યારબાદ સવારે એક વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. અનૂસુચિત જાતિના યુવક વનોલ રમેશ વિભાભાઈ (ઉં.વ.૧૮)ની લાશ શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકતી મળી હતી. તે ભટાસણા ગામના સરપંચનો ભત્રીજો છે. ત્યારે અનૂસુચિત જાતિના લોકો અને તેના સ્વજનો તેની હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. લાશ મળતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ભટાસણાના સરપંચના ભાઈના દીકરાની શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકતી લાશ મળી હતી. યુવાન ભાગે રાખેલા ખેતરે રાત્રે સુવા ગયો હતો. જેને લઈને એ લોકોએ ખેતરમાં મર્ડર કર્યાની શંકા સેવી છે. યુવકની લાશને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
યુવકના શંકાસ્પદ મોત બાદ એક મેસેજ લખીને કહેવામાં આવ્યું છે કે, ભટાસણા ગામે જિલ્લાના તમામ અનુસૂચિત જાતિના સમુદાયે હાજર રહેવા વિનંતી કરાઈ છે. લાશના પોસ્ટમોર્ટમ, ફરિયાદ કે અંતિમ સંસ્કાર વખતે લોકો સહિયારો હુમલો કરે એવી શક્યતા નકારી શકાય નહીં. પોલીસે પરિસ્થિતિ કાબુમાં રાખવા સુલેહ ભંગ ન થાય તેવા તકેદારીનાં પગલાં અગમચેતીરૂપે લેવા જરૂરી છે. શાંતિ ભંગ ન થાય તે બાબત પર વધુ ફોકસ આપવું, દરેકે અનુશાસનમાં રહી વર્તવા વિનંતી છે.