શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના અનેક કિસ્સાઓ સામે આવે છે. ટ્રાફિક નિયમનું પાલન ન કરવા પર ટ્રાફિક પોલીસ દ્વારા મોટો દંડ પણ વસૂલાતો હોય છે. હેલ્મેટ વગર, સીટ બેલ્ટ ન લગાવવા પર સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર અલગ-અલગ દંડની વસૂલાત કરવામાં આવે છે. પરંતુ ગઇકાલની એક ઘટના બાદ લાગે છે કે, શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું કામ કરવાના બદલે લોકોને દંડવાનું કામ વધુ કરી રહી છે. શહેરના સોલા વિસ્તારમાં ગઇકાલે ટ્રાફિક પોલીસ જાણે પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય તે રીતે વાહન ચાલકો પાસેથી દંડ વસૂલતી જોવા મળી હતી. જેનાથી વાહન ચાલકો રોષે ભરાયા હતા અને ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી.
ઘાટલોડિયાથી સોલા જવાના રોડ પર ગઇકાલે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી. ટ્રાફિકને હળવો કરવા માટે ત્યાં ઉપસ્થિત ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને બીઆરટીએસ રૂટ પર જવા માટે કહ્યું હતું. જોકે આગળ સત્તાધાર ક્રોસ રોડ પર ઉભા રહેલા અન્ય ટ્રાફિક પોલીસે બીઆરટી એસમાંથી આવતા વાહન ચાલકોને રોકીને ૧૦૦૦ રૂપિયાના દંડનો મેમો પધરાયો હતો. વાહન ચાલકોએ પોલીસે જ બીઆરટીએસમાંથી જવાનું કહ્યું હતું તેવી રજૂઆત કર્યા છતાં પણ પોલીસે દંડ વસૂલ્યો હતો. જેનાથી વાહન ચાલકો રોષે ભરાયા હતા અને બીઆરટીએસ રૂટ પણ ટ્રાફિકમાં ફેરવાઇ ગયું હતું. જોકે સૌથી મોટી વાત એ છે કે, પોલીસે બે દિવસ પહેલાના મેમો આપ્યા હતા. બીજી તરફ પોલીસ સાથે થયેલી વાતચીતનું વાહન ચાલકે ઓડિયો રેર્કોડિંગ કરી તેને વાયરલ કરી દીધું હતું. જેમા વાહન ચાલકો પોલીસ સાથે આજીજી કરતા જોવા મળ્યા હતા.