શહેરના બોરડીગેટ વિસ્તારમાં પંકજ સોસાયટીમાં રહેતા દલીત યુવાને આજે વહેલી સવારે જાહેરમાં અગ્નિસ્નાન કરી આપઘાત કરતા ચકચાર મચી જવા પામેલ. આ બનાવ અંગે મૃતકના પત્નિએ એક મહિલાના આડા સંબંધ રાખવા કરાતા દબાણના કારણે માનસિક રીતે કંટાળી મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બોરડીગેટ વિસ્તારમાં પંકજ સોસાયટીમાં રહેતા ઉમેશ નાથાભાઈ નકુમ નામના યુવાને આજે વહેલી સવારે ડો. જોગદીયાના દવખાના પાસે આવીને શરીરે જવલનશીલ પદાર્થ છાંટી જાતે સળગી જઈ આપઘાત કર્યો હતો આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા જયારે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને હોસ્પિટલ ખસેડી હતી.
આ બનાવ સંદર્ભે મૃતક યુવાન ઉમેશના પત્નિએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવેલ કે વણકરવાસમાં રહેતી હંસાબેન મનસુખભાઈ સુમરા નામની મહિલા તેના પતિ ઉમેશને તેની સાથે આડા સંબંધ રાખવા દબાણ કરતી હતી અને તેના ઘરે આવીને પણ ઝઘડો કરતી હતી. આથી તેનો પતિ આ મહિલાથી કંટાળી ગયેલ અને તેમાં માનસીક ત્રાસથી કંટાળી જઈ આ પગલુ ભર્યાનું કહી તેના પતિને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવવા પોલીસે ગુનો નોંધીસ વધુ તપાસ હાથ ધરેલ છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ છે.