વિશ્વકપમાં પસંદગી નહી થઈ હોવાથી અકળાયેલા અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા.જોકે આ જાહેરાતના ૫૮ દિવસમાં જ રાયડુએ પોતાની નિવૃત્તિ પાછી ખેંચી છે.અંબાતીએ સાથે સાથે પોતાની આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ, ભારતના દિગ્ગજ બેટસમેન વીવીએસ લક્ષ્મણ અને નોએલ ડેવિડનો આભાર માનીને કહ્યુ હતુ કે, આ તમામે મને મુશ્કેલ સમયમાં સાથ આપીને અહેસાસ કરાવ્યો હતો કે, મારામાં હજી ઘણુ ક્રિકેટ બચેલુ છે અને હું આગળ રમી શકુ છું.હું હૈદ્રાબાદની ટીમ વતી ઘરઆંગણાના ક્રિકેટમાં પાછો ફરવુ તૈયાર છું.
હૈદ્રાબાદના ચીફ સિલેક્ટર નોએલ ડેવિડે એ પછી કહ્યુ હતુ કે, અમારા માટે સારી ખબર છે.રાયડુ હજી બીજા પાંચ વર્ષ તો રમી જ શકે છે અને યુવા ખેલાડીઓને પણ તે ઘણુ શીખવાડી શકે છે.તેના અનુભવનો રણજી ટ્રોફીમાં હૈદ્રાબાદની ટીમને ફાયદો મળશે.રાયડુએ સ્વીકાર્યુ હતુ કે, વિશ્વકપની ટીમમાં પસંદગી નહી થયા બાદ ભાવુકતામાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. રાયડુએ ભારતીય ટીમ માટે ૫૫ વન ડે ઈન્ટરનેશનલમાં ૩ સદી અને ૧૦ અડધી સદી સાથે ૧૬૯૪ રન બનાવ્યા છે.