ગાંધીનગર કલેકટર કચેરીના ભોંયતળીયે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં મુખ્ય પ્રવેશ દ્વારથી સીધા જ જઈ શકાય તે દરવાજાને ખુદ કલેકટરે જ ખોલી દીધો હતો અને અધિકારીઓને આજ પછી આ દરવાજો બંધ નહીં કરવા તાકીદ કરી હતી તેમ છતાં આ કચેરી દ્વારા દરવાજાને ફરીવાર ખંભાતી તાળા મારી દેવાયા છે. જેના પગલે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે અને સૌથી વધુ લોકો હાજર રહેતા હોવાથી ગુંગળામણ નો અનુભવ પણ થઈ રહયો છે.
ગાંધીનગર શહેરના સે-૧૧માં આવેલી કલેકટર કચેરીમાં ભોંયતળીયે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો વિવિધ દસ્તાવેજોની નોંધણી માટે આવતાં હોય છે. આ કચેરીમાં જવા માટે બે દરવાજા છે જેમાં એક મુખ્ય પ્રવેશ દ્વારથી જઈ શકાય અને બીજો દરવાજો ડાબી બાજુએ રાખવામાં આવેલો છે.
મુખ્ય પ્રવેશ દ્વારથી જઈ શકાય તે દરવાજો અવારનવાર સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા બંધ કરી દેવામાં આવતો હતો અને તેના પગલે કલેકટર સુધી ફરીયાદ પહોંચી હતી. જેના કારણે ખુદ જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ આ દરવાજો જાતે જ ખોલી દીધો હતો અને અધિકારીઓને આજ પછી બંધ નહીં કરવા માટે પણ તાકીદ કરી હતી. આ ઘટનાને બે મહિના જેટલો સમય વીતી જવા આવ્યો છે ત્યારે ફરીવાર સબ રજીસ્ટ્રાર કચેરીના અધીકારીઓ દ્વારા આ દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું છે.
ભારે ઉકળાટમાં સૌથી વધુ વ્યક્તિઓ હાજર રહેતા હોવાથી ગુંગળામણ પણ થતી હોય છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા આ બાબતને ફરીથી ગંભીરતાથી લેવી જોઈએ અને આદેશનું પાલન નહીં કરનાર આ અધીકારીઓ સામે કડક પગલાં ભરવા માટે પણ માંગ ઉઠી રહી છે.