સરકારી બેંકોના પરસ્પર મર્જરની જાહેરાત

452

સુસ્ત થઇ રહેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આજે વધુ મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી હતી. ૨૩મી ઓગસ્ટના દિવસે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે વધુ જાહેરાતો કરવામાં આવી હતી. સરકારી બેંકોના મેગા કન્સોલીડેશન પ્લાનની જાહેરાત આજે કરવામાં આવી હતી. આવનાર સમયમાં જાહેર ક્ષેત્રની ૧૦ બેંકોને મર્જ કરીને ચાર મોટી બેંકો બનાવવામાં આવનાર છે. પંજાબ નેશનલ બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોર્મસ તથા યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાને મર્જ કરી દેવામાં આવશે જેનાથી દેશની બીજી સૌથી મોટી બેંક તૈયાર થઇ જશે જેનો કારોબાર ૧૭.૯૫ લાખ કરોડ રૂપિયાનો રહેશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, હવે ૨૭ બેંકોની જગ્યાએ માત્ર ૧૨ સરકારી બેંકો રહેશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે, કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકને મર્જ કરવામાં આવશે જેનાથી ચોથી મોટી સરકારી બેંક બની જશે. આનો કારોબાર ૧૫.૨૦ લાખ કરોડ રૂપિયાનો રહેશે. આવી જ રીતે યુનિયન બેંકમાં આંધ્રબેંક તથા કોર્પોરેશન બેંકને મર્જ કરી દેવામાં આવશે. આનાથી દેશની પાંચમી સૌથી મોટી સરકારી બેંક બની જશે. સીતારામને કહ્યું હતું કે, ઇન્ડિયન બેંક, અલ્હાબાદ બેંકને મર્જ કરવામાં આવશે. આનાથી સાતમી સૌથી મોટી સરકારી બેંક બની જશે તેનો કારોબાર ૮.૦૮ લાખ કરોડ રૂપિયા થઇ જશે. સુધારાઓની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતને પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે કટિબદ્ધ છે. આના માટે રોડમેપ પણ તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, એનબીએફસીને સમર્થન આપવા માટે અનેક ઉપાય કર્યા છે. સરકારનું ધ્યાન બેંકિંગ સેક્ટરને વધુ મજબૂત કરવા પર રહેલું છે. તેમણે કહ્યું હતું કે, આઠ સરકારી બેંકોએ રેપોરેટ લિન્ક્ડ લોનની શરૂઆત કરી છે. લોન આપવા માટે સુધાર લાવવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. બેંકોના ગ્રોસ એનપીએમાં ઘટાડો થઇ રહ્યો છે. તેમની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થઇ રહ્યો છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, રેકોર્ડ પ્રમાણમાં લોનની રિકવરી થઇ છે. ૧૮ સરકારી બેંકોમાંથી ૧૪ બેંક નફામાં આવી ગઈ છે.

નાણામંત્રીએ કહ્યું હતું કે, આ તમામ મર્જર બાદ સરકારી બેંકોની સંખ્યા ૨૭થીને ૧૨ થઇ જશે. ૯.૩ લાખ કરોડ રૂપિયાનો કારોબાર ધરાવનાર બેંક ઓફ ઇન્ડિયા તથા ૪.૬૮ લાખ કરોડ રૂપિયાનો કારોબાર ધરાવનાર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પહેલાની જેમ જ કામ કરશે. સરકારી બેંક ચીફ રિસ્ક ઓફિસરની નિમણૂંક કરશે. આ અગાઉ નરેન્દ્ર મોદી સરકારે પોતાની છેલ્લી અવધિમાં પણ બેંકોના મર્જરની પ્રક્રિયા હાથ ધરી હતી જેના ભાગરુપે સૌથી પહેલા સ્ટેટ બેંકમાં પાંચ સાથી બેંકો સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેંક ઓફ પટિયાલાને મર્જ કરી દીધા હતા. આ ઉપરાંત મહિલા બેંકને પણ મર્જ કરી દેવામાં આવી હતી. પહેલી એપ્રિલ ૨૦૧૭થી સ્ટેટ બેંકમાં સાથી બેંકોની મર્જરની પ્રક્રિયા અમલી થઇ ગઇ હતી. આ ઉપરાંત આ વર્ષે પહેલી એપ્રિલના દિવસે બેંક ઓફ બરોડામાં વિજ્યાબેંક અને દેના બેંકને મર્જ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, ક્રેડિટ ગ્રોથ અને અન્ય મામલાઓમાં બેંકોને ૫૫૨૫૦ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે જે હેઠળ પંજાબ નેશનલ બેંકને ૧૬૦૦૦ કરોડ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને ૧૧૭૦૦ કરોડ, બેંક ઓફ બરોડાને ૭૦૦૦ કરોડ, કેનેરા બેંકને ૬૫૦૦ કરોડ, ઇન્ડિયન બેંકને ૨૫૦૦ કરોડ આપવામાં આવશે. ઇન્ડિયન ઓવરસીસ બેંકને ૩૮૦૦ કરોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને ૩૩૦૦ કરોડ રૂપિયા અપાશે. અન્ય બેંકોને પણ મોટી રકમ આપવામાં આવી રહી છે.

Previous articleસંકલ્પ શક્તિ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે