પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા દિવસે અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો અને શિવમંદિરોમાં શિવભકતોએ ભોળાનાથને રીઝવવા અને તેમની પૂજા-અર્ચના માટે ભારે પડાપડી કરી હતી. જેના કારણે રાજયભરના શિવાલયોમાં આજે શિવભકતોને ભારે ધસારો રહ્યો હતો. સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતાં. સોમનાથ મહાદેવને આજે વિશેષ પ્રકારે સુંદર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. ગુલાબના હાર અને સુંદર ફુલો તેમ જ ફળો ધરાવી દેવાધિદેવનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મંદિરની બહારથી લાંબી કતારો જોવા મળી હતી. વહેલી સવારે ૭-૦૦ વાગ્યે આરતીની ઝલક માટે પણ શિવભકતોએ ભારે પડાપડી કરી હતી. દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ભાવિક ભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી. આ સાથે જ હર હર મહાદેવ, સોમનાથ મહાદેવની જય હો..ના નાદ સાથે શિવાલય ગુંજી ઉઠ્યું હતું. દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસ હતો., તેને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો, શિવમંદિરોમાં આજે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો ઉમટયા હતા. બીજીબાજુ, આજે સુપ્રસિધ્ધ સોમનાથમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે હજારો શ્રધ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉમટયા હતા, જેના કારણે સોમનાથ મંદિર ખાતે દોઢથી બે કિલોમીટર લાંબી લાઇનો નજરે પડતી હતી. સોમનાથ મહાદેવની જેમ દ્વારકા પાસે નાગેશ્વર મહાદેવ ખાતે પણ હજારો શિવભકતો નાગેશ્વર મહાદેવના દર્શન માટે ઉમટયા હતા. શ્રાવણ માસના છેલ્લા દિવસને લઇ શહેર સહિત રાજયભરના શિવાલયો, શિવમંદિરો ઓમ નમઃ શિવાય, હર…હર…મહાદેવ, બમ બમ ભોલે ના નારાથી ગુંજી ઉઠયા હતા. શહેરના થલતેજ ખાતેના શાંતિનાથ મહાદેવ, સારંગપુરના પ્રાચીન કર્ણમુકતેશ્વર મહાદેવ, રખિયાલના ચકુડીયા મહાદેવ, રાયપુરના ચકલેશ્વર મહાદેવ, ભુલાભાઇ પાર્કના પ્રાચીન ગંગનાથ મહાદેવ, મેમનગર વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામેના કામનાથ મહાદેવ, અંકુર ચાર રસ્તા ખાતેના કામેશ્વર મહાદેવ, ગાંધીનગરના સુપ્રસિધ્ધ અને પૌરાણિક ધોળેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શિવભકતો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા.
અને ભોળાનાથને રીઝવવા શ્રાવણમાસના છેલ્લા દિવસે તન,મન અને ધનથી પૂજા-તપશ્ચર્યા કરી હતી. તો, મેમનગરના સુભાષચોક ખાતેના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે સવારે ૧૦-૦૦થી સાંજે ૫-૦૦ વાગ્યા દરમ્યાન દેવાધિદેવ મહાદેવના લઘુ રૂદ્ર યજ્ઞ અને રાત્રે ૯-૦૦થી બીજા દિવસે પરોઢના ૪-૦૦ વાગ્યા સુધી પંચ વક્ર શિવમહાપૂજાનું આયોજન કરાયુ હતુ. સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે નિપુણ બ્રાહ્મણો-પૂજારીઓ દ્વારા વિધિવત્ રીતે દેવાધિદેવની મહાપૂજા કરાવી હતી. સેંકડો શ્રદ્ધાળુઓએ શ્રાવણ માસના છેલ્લા દિવસે ભોળાનાથની આ મહાપૂજા અને દર્શનનો લાભ લઇ ભારે ધન્યતાનો અનુભવ કર્યો હતો.