નીરવ મોદી, ગીતાંજલી, નક્ષત્રએ વાઈબ્રન્ટમાં એમઓયુ કર્યા હતા ? વીજય માલ્યાએ ગુજરાતમાં ૧ રૂપિયાનું રોકાણ કર્યું નથી
વાઈબ્રન્ટ ગુજરાત અંગેનો પ્રશ્ન વિધાનસભામાં ઉપસ્થિત થયો હતો તેમાં કોંગ્રેસના જવાહર ચાવડાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે નીરવ મોદી, ગીતાંજલી, નક્ષત્રએ વાઈબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કર્યા છે કે કેમ ? તેનો ઉત્તર પ્રશ્નોમાં આવતો નહી હોવાનું જણાવી મંત્રીએ ઉત્તર નહીં આપી વીજય માલ્યાએ કયારેય ગુજરાતમાં આવ્યો નથી અને એક રૂપિયાનું રોકાણ પણ કર્યુ ન હતુ અને કોંગ્રેસનો મિત્ર હતો નરેન્દ્ર મોદીને ગાળો આપી હતી જેવા રાજકીય આક્ષેપો કોંગ્રેસને કર્યા હતા.
નકલી પોલીસને પણ ખબર છે કે અમદાવાદમાં ર હજારથી વધુ જગ્યા ખાલી છે
વિધાનસભામાં અમદાવાદમાં પોલીસ મહેકમના સવાલમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે આજકાલ અમદાવાદમાં નકલી પોલીસના સમાચાર વધુ છે તેમાં નકલી પોલીસને પણ ખબર છે કે અમદાવાદમાં બે હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. જેના ઉત્તરમાં રાજય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્યમાં ૬ર જગ્યાઓ અને અમદાવાદ શહેરમાં રરર૦ જગ્યાઓ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ખાલી છે. પતરાની ચોકી અંગે તેમણે જણાવ્યું હતું કે પહેલા પોલીસ સ્ટેશનો બનાવ્યા છે પછી ચોકીઓ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ ચોકીઓ બનાવી છે.
શીપ બીલ્ડીંગ યાર્ડ વિકસાવાશે પણ મંજૂરીઓ બાકી
વિધાનસભામાં જુદા જુદા ધારાસભ્યોએ રાજયમાં શીપ બિલ્ડીંગ યાર્ડ વિકસાવવા અંગેનો પ્રશ્નો પુછયા હતા કે ગુજરાત ઈન્ટીગ્રેટેડ મેરીટાઈમ કોમ્પલેક્ષ પ્રા. લી.ને રાજયના દરિયા કિનારે શીપ બિલ્ડીંગ યાર્ડ વિકસાવવાની મંજૂરી આપી છે તે પછી કેટલી જમીન અને એનઓસી આપી છે ? ઉત્તરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ૧૦૬ હેકટર ઈન્ટર-ટાઈટલ એરિયાને બીકલેમ કરીને વિકસાવવાની મંજૂરી આપેલ હોય જમીન ફાળવણી માટે એનઓસી આપવામાં આવેલ નથી અને પર્યાવરણ / સીઆરઝેડની મેળવવાની બાકી છે જે મળ્યેથી ૩ વર્ષમાં બાંધકામ પૂૃણ કરાશે.
દહેજ ખાતે બે હયાત શીપયાર્ડ છે અને ૩ શીપયાર્ડ માટે જમીન ફાળવવામાં આવેલ છે. જુના બંદર ભાવનગર ખાતે શીપ બિલ્ડીંગ યાર્ડ વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે. પરંતુ પર્યાવરણ/ સીઆરઝેડની મંજૂરી મળ્યા બાદ વિકાસકાર નકકી કરી તબકકાવાર કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
કે.જી. બેઝિનમાં ગેસ ઉત્પાદન માટે બે વર્ષમાં ૧૩૮૧ કરોડ કરતાં વધુ ખર્ચ ઉત્પાદન ૧૪૪ મી.કયુ.મીટર
વિધાનસભામાં જુદા જુદા ધારાસભ્યોએ કે.જી. બેઝીનમાંથી ગેસ ઉત્પાદન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચ અને કેટલું ગેસનું ઉત્પાદન થયું છે.
ઉત્તરમાં પેટ્રો કેમિકલ્સ મંત્રીએ જણાવ્યું હતું કે ૩૧ ડિસેમબર, ર૦૧૭ ની સ્થિતિએ જીએસપીસીના ૮૦ ટકા શેર પ્રમાણે ર૦૧પ થી ર૦૧૭ સુધીમાં ૧૩૮ર.૭૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેની સામે ૧૪૪.૮૯ મિલીયન કયુબીક મીટર ગેસનું ઉત્પાદન થયું છે. જો કે આ પ્રશ્ને કોંગ્રેસે વારંવાર આ પ્રશ્નની ચર્ચા માંગવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રશ્નોત્તરી દરમિયાન શૈલેષ પરમારે આ પ્રશ્નને યાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ભાવનગરની ૩ ટી.પી. પડતર બે સ્કીમ ૩ વર્ષથી પડતર
વિધાનસભામાં ભાવનગર શહેરની ટી.પી. સ્કીમની મંજૂરી અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે શહેરની કેટલી ટાઉન પ્લાનીંગ સ્કીમ અંગેની દરખાસ્તો પડતર છે અને કેટલા સમયથી પડતર છે.
ઉત્તરમાં શહેરી વિકાસ મંત્રીએ કહ્યું હતું કે ભાવનગર શહેરમાં ૩ ટાઉન પ્લાનીંગ સ્કીમની દરખાસ્તો પડતર છે જે પૈકી ૧ દરખાસ્ત ૧ વર્ષથી જયારે અન્ય બે દરખાસ્તો છેલ્લા ત્રણ વર્ષથી પડતર છે. કયારે મંજૂર કરવામાં આવશે જેના ઉત્તરમાં જણાવ્યું હતું કે મુસદ્દાની ચકાસણી, યોજના સંદર્ભે વાંધા, સુચનોને ધ્યાનમાં લેવાના હોય છે ત્યાર બાદ યોજનાને મંજુર કે નામંજૂર કરી પરત મોકલવાની હોવાથી સમય મર્યાદા નકકી કરી શકાય નહી.
ભાવનગર જિલ્લામાંથી બે વર્ષમાં ૧૬૯ બાળકો ગુમ, પ૯નો હજી પત્તો નથી
વિધાનસભામાં કનુભાઈ બારૈયા, તળાજાના ધારાસભ્યએ ભાવનગર જિલ્લામાંથી ૩૧ ડીસેમ્બર, ર૦૧૭ ની સ્થિતિએ કેટલા બાળકો ગુમ થયા અને કેટલા પરત મળી આવ્યા તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો જેના ઉત્તરમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ઉપરોકત સ્થિતિમાં ભાવનગર જિલ્લામાંથી ર૦૧૬ માં ૮૩ અને ર૦૧૭ માં ૮૬ મળીને કુલ ૧૬૯ બાળકો ગુમ થયા છે જે પૈકી ૧૧૦ બાળકો જ પરત મળી આવ્યા છે. બાકીના પ૯ બાળકો હજી મળ્યા નથી. ટીમ બનાવી તે અંગે શોધી કાઢવાની કામગીરી કરવામાં આવેલ છે.
ગુજરાતના પોલીસ તંત્રમાં એક જ વર્ષમાં ૧૭,૫૩૨ જગ્યાઓ ભરવામાં આવી
ગુજરાતના પોલીસ તંત્રમાં એક જ વર્ષમાં ૧૭,૫૩૨ જગ્યાઓ ભરવામાં આવી છે અને આ વર્ષના બજેટમાં ૫,૬૩૫ નવી જગ્યાઓ ભરવામાં આવનાર છે તેની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના પી.એસ.આઇ. અને એ.એસ.આઇ.ની ભરતી સંદર્ભે વિધાનસભામાં પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ દળમાં ૩૪૪ પો.સ.ઇ. અને. ૨૦૦ એ.એસ.આઇ.ની ભરતી કરવામાં આવી છે. ગુજરાતના પોલીસ તંત્રને આધુનિક ટેકનોલોજી સાથે જોડી વધુ કાર્યક્ષમ બનાવવામાં આવ્યું છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના આ સરકારે કરી સ્કીલ ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. તદ્ઉપરાંત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના માધ્યમથી તમામ ગુનાઓ સમયસર ઉકેલવામાં સફળતા મળી છે અને ઇઝરાયેલ જેવા દેશો ગુનો શોધવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે જ ટેકનોલોજી ગુજરાતનું પોલીસ તંત્ર કરી રહ્યું છે. મોડ-૧માં ૫૦ ટકા સીધી ભરતીથી, મોડ-રમાં ૩૦ ટકા ભરતી પોલીસ વિભાગ દ્વારા, જ્યારે ૨૦ ટકા ભરતી એ.એસ.આઇ.માં પાંચ વર્ષના અનુભવી પોલીસ કર્મચારીને બઢતીની પરીક્ષા દ્વારા ભરતી કરાય છે. મહિલા સશક્તિકરણની શરુઆત આ સરકારે કરી છે અને ૩૩ ટકા જગ્યાઓ મહિલાઓની હોય છે. ત્યારે ભરતી થયેલ સર્વર્ગમાં પી.એસ.આઇ., એ.એસ.આઇ. અને બિનહથિયાર ધારીમાં ૪૦૫ ભરતીમાંથી ૧૩૯ મહિલાઓની ભરતી કરાઇ છે. પોલીસ તંત્રમાં ખોટા પ્રમાણપત્રથી મૂળ અરજદાર હક્કથી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને ભરતી નિયમોનુસાર આરક્ષિત જગ્યાઓને ભરવામાં આવી રહી છે. બાયોમેટ્રીક ઓ.એમ.આર. સિસ્ટમથી પરીક્ષા લેવાય છે તેમજ સી.સી.ટી.વી. કેમેરાથી પણ તકેદારી લેવાય છે. સાથોસાથ પી.એસ.આઇ. અને એ.એસ.આઇ. માટેના શારિરિક અને શૈક્ષણિક માપદંડોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.