દલિતોનો પક્ષ લેતી કોંગીના વલણથી હાર્દિક ભારે ખફા

756
guj2822018-9.jpg

વિધાનસભા ચૂંટણી બાદ ખોવાઇ ગયેલા પાસના યુવા નેતા હાર્દિક પટેલ ઘણા સમય બાદ ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ગુજરાત વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા દલિતો આત્મવિલોપન અને દલિતોના અત્યાચારના ઉઠાવાઇ રહેલા મુદ્દાઓને લઇ હાર્દિક પટેલ હવે અકળાયો છે અને તેણે વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સામે સીધો મોરચો માંડતા સવાલો ઉઠાવ્યા છે કે, વિધાનસભા ગૃહમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીથી લઇ કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર, પરેશ ધાનાણી સહિતના સભ્યો દલિત આત્મવિલોપન અને દલિતોના અત્યાચારના મુદ્દા ઉઠાવી રહ્યા છે પરંતુ પાટીદાર સમાજને અન્યાય અને પાટીદારો વિરૂધ્ધના રાજદ્રોહના કેસોને લઇ કોંગ્રેસ ખાસ કરીને વિપક્ષના નેતા પરેશ ધાનાણી કેમ ચૂપ છે?વિપક્ષ કોંગ્રેસ પર રોષ ઠાલવતાં હાર્દિક પટેલે જણાવ્યું હતુંકે, છેલ્લા પાંચ દિવસથી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ગૃહમાં દલિત આત્મવિલોપન અને દલિત અત્યાચારના મુદ્દા વારંવાર ઉઠી રહ્યા છે, જે સારી વાત છે, તે ઉઠાવવા પણ જોઇએ પરંતુ સાથે સાથે છેલ્લા અઢી વર્ષથી રાજયમાં ચાલતા પાટીદાર અનામત આંદોલન અને તેમાં શહીદ થયેલા ૧૪ પાટીદાર યુવાનો અને પાટીદારો સામે થયેલા રાજદ્રોહના કેસોના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો કેમ ચૂપ છે અને તેઓ ગૃહમાં આ મામલે કેમ કોઇ અવાજ નથી ઉઠાવતા? હાર્દિકે વધુમાં ઉમેર્યું હતું કે, પાટીદાર સમાજ પર થયેલા અમાનવીય અત્યાચાર બાબતે કોંગ્રેસ પાર્ટી ચૂપ રહેવા માંગતી હોય તો અમને લાગે છે કે, આવ ભાઇ હરખા, આપણે બંને સરખા જેવું કામ ભાજપ અને કોંગ્રેસનું છે. અમને એમ હતુ કે, પરેશ ધાનાણી જેવા યુવા નેતા વિપક્ષ નેતા બનવાથી ગુજરાતની જનતાને ફાયદો થશે પરંતુ જનતાના મુદ્દાઓ નહી ઉઠાવતાં લોકોએ મૂકેલા વિશ્વાસ પર પાણી ફરી વળ્યું છે. આજે મજબૂત વિપક્ષ હોવાછતાં જો જનતા નિરાશ થાય તો લોકો હવે જશે કયાં તે સૌથી મોટો ગંભીર સવાલ છે. હાર્દિક પટેલ દ્વારા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે માંડેલા મોરચાને લઇ સોશ્યલ મીડિયામાં જોરદાર ચર્ચા અને મેસેજ વાયરલ થયા હતા, જેને લઇ હવે હાર્દિકની કોંગ્રેસ સામેની નારાજગી ખુલ્લી પડી ગઇ હતી.

Previous articleપ્રશ્નોના વિરોધમાં રાજ્યના ખેડૂત ધરણાં કરવા સુસજ્જ
Next articleનૃત્ય સાથે હોળીની ગોઠ માગતા મારવાડીઓ