બાપુનગરમાં આવેલી ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલમાં ધોરણ-૫નાં વર્ગમાં છતના પોપડા પડ્યાં હોવાની ઘટના શુક્રવારે બપોરે બની હતી. આને લઈને બાપુનગર પોલીસે આચાર્ય અને ટ્રસ્ટીઓ સહિત પાંચ લોકો સામે બેદરકારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સરસપુરમાં રહેતા મિશ્રિમલ જૈને બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. મિશ્રિમલ જૈનનો પુત્ર બાપુનગરની ખાલસા લિટર ફ્લાવર સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. શુક્રવારે બપોરે આ શાળામાં તેમના પુત્રના ક્લાસની ઉપરની દીવાલના પોપડાનો મોટો ભાગ ધરાશાયી થયો હતો. ઘટનામાં પાંચેક વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચતા તેઓને નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાને લઇને પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
તપાસમાં સામે આવ્યું કે અગાઉ પણ પોપડા પડવાની આવી ઘટના બની હતી. અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં જર્જરિત બાંધકામને તોડી નહોતું પડાયું. એટલું જ નહીં સ્કૂલમાં આવવા અને જવા માટે પણ એક જ સાંકડી સીડી હોવાનું માલુમ પડ્યું છે. આ મામલે સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટીઓએ ધ્યાન ન આપ્યું હોવાનું સામે આવ્યું છે.
એટલું જ નહીં સ્કૂલની નીચે દુકાનો બનાવવામાં આવી છે, તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી તથા ર્પાકિંગની પણ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે આખરે પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદ નોંધી છે. પોલીસે આચાર્ય સુરજીતકૌર ડાંગ તથા ટ્રસ્ટી ઇન્દ્રજીતસિંગ કાલરા, મનજીતસિંગ ડાંગ, અમોલકસિંગ ડાંગ, જસબીરસિંગ માખીજા સામે બેદકારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.