સરકારી શાળાની વિદ્યાર્થિનિઓને કથિત રીતે પોર્ન ફિલ્મોની ક્લિપ બતાવી અને રજાની માંગણી કરનાર છાત્રાઓને કપડાં ઉતારવાનું કહેનાર વડોદરાના વિકૃત શિક્ષકની પોલીસ ધરપકડ કરી છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ સુંદરમ શાળામાં ફરજ બજાવતા રમેશ માછી સામે વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનો આરોપ છે. આ મામલે વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓની ફરિયાદના પગલે વડોદરા સીટી પોલીસે શિક્ષક રમેશ માછીને દબોચી લીધો છે.
આ મામલે વાલીઓની ફરિયાદ બાદ શિક્ષણ સમિતિએ માછીને બરતરફ કર્યો હતો. માછી સામે આક્ષેપ છે કે તેણે ધોરણ ૫ની વિદ્યાર્થિની સાથે છેડતી કરી હતી. પીડિત વિદ્યાર્થિનીએ તેની માતાને જણાવ્યું હતું કે ૫ ઑગસ્ટથી ૨૭ ઑગસ્ટ દરમિયાન જ્યારે જ્યારે વિદ્યાર્થિની વોશ-રૂમમાં જતી હતી ત્યારે માછી તેનો પીછો કરતો હતો. માછી પોર્ન ફિલ્મોની ક્લિપો વિદ્યાર્થિનીઓને ક્લાસરૂમમાં બતાવતો હતો. જો કોઈ વિદ્યાર્થીની રજા માંગવા જાય તો કપડાં ઉતારો પછી રજા આપીશ તેવું કહેતો હતો. આ તમામ હરકતોની જાણ પ્રિન્સિપાલને થઈ તો વિદ્યાર્થિનીઓને નાપાસ કરવાની ધમકી પણ આપતો હતો.
વિદ્યાર્થિનીએ તેની માતાને ફરિયાદ કરતા કહ્યું હતું કે ’મમ્મી મારા ક્લાસ ટીચર રમણ સર મને અને મારી બહેનપણીઓને ફ્રેન્ડશીપ ડે બાદ પરેશાન કરી રહ્યા છે. સર ગંદી હરકતો કરે છે. ’ વિદ્યાર્થિનીની માતાએ વાત તેમના પતિને કરી હતી. બાદમાં પતિએ સ્કૂલમાં જઈ હોબાળો મચાવ્યો હતો.