ગુજરાતના જુદા જુદા ભાગોમાં જોરદાર વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહ્યો છે. કચ્છમાં પણ અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પોરબંદરમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વિજળી પડવાના કારણે એકનું મોત થયું છે. કુતિયાણામાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે જ્યારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભારે વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડતા જનજીવનને પણ અસર થઇ છે. કચ્છમાં વિજળી પડતા ૧૪ વર્ષીય સગીરાનું મોત થયું છે. આ ઉપરાંત વિજળી પડવાની અન્ય ઘટનાઓ પણ બની છે. કુતિયાણામાં જોરદાર વરસાદ પડતા જનજીવન ખોરવાઈ ગયું છે. અન્યત્ર પણ વિજળી પડવાના બનાવો બન્યા છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. નખત્રાણાના રામપર ગામમાં વિજળી પડતા સાત લોકો દાઝી ગયા છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરતામાં પણ વરસાદ થયો છે. રાણાવાવમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. બનાસકાંઠા, છોટાઉદેપુરમાં વરસાદી માહોલ રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢમાં વરસાદી માહોલ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પોરબંદરમાં અતિભારે વરસાદ થઇ શકે છે જ્યારે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. જુનાગઢ, ગીરસોમનાથ, દિવમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ ઉપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેને લઇને વરસાદી માહોલ હાલમાં અકબંધ રહેવાની સંભાવના દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદનો માહોલ હાલમાં જામેલો રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલના કારણે અનેક જગ્યાઓએ જળાશયોમાં સપાટી વધી ગઈ છે. સાથે સાથે લોકોને રાહત પણ થઇ છે. થોડાક સમય પહેલા ભારે વરસાદના કારણે વડોદરા, સુરત, રાજકોટ, છોટાઉદેપુરમાં નુકસાન પણ થઇ ચુક્યું છે. ગુજરાતમાં વર્તમાન મોનસુનની સિઝનમાં પુર અને ભારે વરસાદના કારણે ૪૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. આજે પોરબંદરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદના કારણે જળબંબાકાર બની ગયા હતા. ભરુચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના જળ સ્તરમાં હવે આંશિકરીતે પાણીની સપાટીમાં ઘટાડો થયો છે જેથી તંત્રને પણ રાહત થઇ છે.
સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો છે. ગુજરાતમાં હજુ સુધી ૯૫ ટકાથી વધુ સિઝનલ વરસાદ થઇ ચુક્યો છે. સાબરકાંઠાના વડાલી અને બનાસકાંઠા જિલ્લાના ડિસામાં ભારે વરસાદથી જનજીવન ગઇકાલે ખોરવાઈ ગયા બાદ આજે સ્થિતિમાં સુધારો થયો હતો. સાફ સફાઈ ઝુંબેશ તીવ્ર કરાઈ હતી.
ફરી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં આગામી ૫ દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામશે કારણ કે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થય છે અને આ વરસાદી સિસ્ટમના કારણે આગામી ૫ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો ઉતર ગુજરાતમાં પણ ૩ થી ૫ સપ્ટેમ્બર ભારે વરસાદ થશે. જો કે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. ૩ સપ્ટેમ્બરથી ૫ સપ્ટેમ્બરના મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ જિલ્લામાં વરસાદ પડશે. ૫ સપ્ટેમ્બરે સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દનરગર, રાજકોટ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધીનો ૯૫ ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે. ચોમાસાની સિઝનના હજુ પણ ૩૦ દિવસ બાકી છે. ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે મોટા ભાગના જળાશયો ભરાય ગયા છે. તો જળસ્તર ઉચા આવવાના કારણે કુવાઓમાં પણ નવા નીરની આવક થતા ખેડુતો ખુશ છે.
સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો, ડેમની સપાટી ૧૩૪.૭૨ મીટર
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે આજે ઉપરવાસમાંથી ૯૭૦૨૯ ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની સપાટી ૧૩૪.૭૨ મીટર છે અને ડેમના ૧૦ દરવાજા ૧ મીટર ખુલ્લા રાખી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.દરવાજામાંથી ૧૨૭૧૭૨ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે કેવડિયાનો ગોરા બ્રીજ છેલ્લા ૧૫ દિવસથી વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. ડેમમાં હાલ ૪૫૯૦ એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે આરબીપીએચના ૬ પાવર હાઉસ ચાલુ છે. જ્યારે સીએચપીએચના ૨ પાવર હાઉસ ચાલુ છે. કરોડોનું વીજ ઉત્પાદન હાલ ચાલી રહ્યું છે.