ન્યુયોર્કમાં રમાઈ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી નોવાક જોકોવિકને મેચમાંથી ખસી જવાની ફરજ પડતા કરોડો ચાહકો નિરાશ થઇ ગયા હતા. નોવાક જોકોવિક ખભાની ઇજાના કારણે પરેશાન દેખાઇ રહ્યો હતો. જોકોવિક ખસી જતા તે હવે સ્પર્ધામાંથી બહાર થઇ ગયો છે. ૨૦ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરર અને ૨૩ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. તેમની આગેકુચ જારી રહી છે. વાંવરિકા સામેની મેચ દરમિયાન જોકોવિકને ખસી જવાની ફરજ પડી હતી. એ વખતે વાવરિન્કા ૬-૪, ૭-૫, ૨-૧થી લીડ ધરાવતો હતો. રાફેલ નડાલે પણ પોતાના હરિફ ખેલાડી પર સીધા સેટોમાં જીત મેળવી ચોથા રાઉન્ડમાં કુચ કરી હતી. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અનેફ્રેેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્પ્રસના નામ ઉપર છે. આ ત્રણેય ખેલાડીઓએ પુરુષ વર્ગમાં સિંગલ્સ સ્પર્ધા પાંચ-પાંચ વખત જીતી છે. જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ અને ક્રિસ એવર્ટ છ-છ વખત સિંગલ્સ સ્પર્ધાનો તાજ જીતી શકી છે. આ વખતે પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમમાં ઓનકોર્ટ ક્લોક પણ રહેશે.ઇલેક્ટ્રોનિક લાઇન કોલ રિવ્યુની શરૂઆત કરાઇ છે. યુએસ ઓપનમાં પુરૂષોના વર્ગમાં નોવાક જોકોવિક હાલમાં હોટફેવરીટ દેખાઇ રહ્યો છે. જોકોવિક રિટાયર્ડ થઇ જતાં ટેનિસ ચાહકો હતાશ થયા હતા. મોટા ખેલાડીઓની કેટલીક મેચોમાં આ રીતે ખસી જવાની ઘટનાઓ અગાઉ પણ બની ચુકી છે. બીજી બાજુ સ્ટેન વાવરિન્કા મોટી મેચોમાં મોટા ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. તેની રમત હંમેશા હરીફ ખેલાડીઓને મુશ્કેલીમાં મુકતી રહી છે.