આતંકવાદ પર અંકુશ મુકવા માટે બનાવવામાં આવેલા નવા કાનૂન યુએપીએ હેઠળ ભારતે ચાર ખૂંખાર આતંકવાદીઓને ટેરર લિસ્ટમાં મુકી દીધા છે. યાદીમાં પ્રથમ નંબર પર પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ મસુદ અઝહરને રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રાસવાદી સંગઠન જમાત ઉદ દાવાના લીડર અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદને બે નંબર ઉપર રાખવામાં આવ્યો છે. ત્રીજા નંબર પર માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમને રાખવામાં આવ્યો છે જે સામાન્યરીતે પાકિસ્તાનના કરાંચીમાં હોવાના અહેવાલ આવતા રહે છે. આતંકવાદી જાકીર ઉર રહેમાન લખવીને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. યુએપીએ એટલે કે ગેરકાનૂની ગતિવિધિ અટકાયત કાનૂનને હાલમાં જ સમાપ્ત કરીને સંસદ સત્રમાં પસાર કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર તરફથી પણ મસુદ અઝહર અને હાફીઝ સઇદને ગ્લોબલ આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. યુએપીએમાં કોઇ વ્યક્તિ વિશેષને ક્યારે આતંકવાદી જાહેર કરવામાં આવશે તેની જોગવાઈ રહેલી છે. આ હેઠળ કોઇ વ્યક્તિ ત્રાસવાદી ગતિવિધિને અંજામ આપે છે અથવા તો તેમાં ભાગ લે છે તો તેને આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે. આ કાનૂનમાં પ્રથમ સુધારો ૨૦૦૪ના અંતમાં કરવામાં આવ્યો હતો તે વખતે યુપીએની સરકાર હતી.
બીજો સુધારો ૨૦૦૮માં કરવામાં આવ્યો હતો જ્યારે ત્રીજો સુધારો ૨૦૧૩માં કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કાનૂનના સંદર્ભમાં માહિતી આપતા કહ્યું હતું કે, જો કોઇ આતંકવાદના પોષણમાં મદદ કરે, નાણાં ઉપલબ્ધ કરાવે છે, ત્રાસવાદી સાહિત્યની આપલે કરે છે અથવા તો ત્રાસવાદની થિયરી યુવાઓ સુધી પહોંચાડે છે તો તેને આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે. નવી યાદીમાં મસુદ અઝહર, દાઉદ અને હાફીઝ સઇદને સામેલ કરાયા છે.