હરભજનસિંહ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી હેટ્રિક લેનાર પ્રથમ ક્રિકેટર છે. ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયા સામે તેણે ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી. તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની જમૈકા ટેસ્ટમાં જસપ્રિત બુમરાહે હેટ્રિક લીધી હતી, ત્યારે એક પ્રશંસકે હરભજનનો વીડિયો ટિ્વટર પર શેર કર્યો હતો, જેમાં તે ઓસ્ટ્રેલિયા સામે હેટ્રિક લેતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્નની વિકેટ લીધી હતી. તે ચાહકે ગિલક્રિસ્ટને પણ ટેગ કર્યો હતો. ૧૮ વર્ષ જૂના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતાં ગિલક્રિસ્ટે ઇશારામાં હરભજનની હેટ્રિક પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ હરભજને ગિલક્રિસ્ટને રોટ્લુ કહ્યો હતો.
યૂઝરે શેર કરેલો વીડિયો જોયા પછી ગિલક્રિસ્ટે પ્રતિક્રિયા આપી અને લખ્યું, ’નો ડીઆરએસ’ ખરેખર અમ્પાયરે તેને એલબીડબલ્યુ આપ્યો હતો. જ્યારે ટીવી રિપ્લેમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું હતું કે બોલ તેના બેટને અડ્યો હતો. ગિલક્રિસ્ટે ડીઆરએસ વિશે વાત કરી, કારણ કે તે સમયે ડીઆરએસ હાજર ન હતા અને જો તે હોત, તો તે આઉટ ન થયો હોત અને હરભજનને હેટ્રિક ન મળત.
ગિલક્રિસ્ટની પ્રતિક્રિયા જોઈ હરભજનને ખરાબ લાગ્યું અને તરત જ ગિલક્રિસ્ટને જવાબ આપ્યો હતો. હરભજને લખ્યું, ’તમે વિચારી રહ્યા છો કે જો પહેલી બોલ પર આઉટ ન થયો હોત, તો તમે લાંબા સમય સુધી રમ્યા હોત? આ વસ્તુઓ ઉપર રડવાનું બંધ કરો, મિત્ર … વિચાર્યું કે તમે નિવૃત્તિ પછી સંવેદનાત્મક રીતે વાત કરશો, પરંતુ કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી અને તમે તેનું સંપૂર્ણ ઉદાહરણ છો. હંમેશા રડતા રહેજો ’જોકે, બાદમાં હરભજને તેનું ટ્વીટ ડિલીટ કર્યું હતું.