નવજાત બાળકીને ત્યજીને ફરાર થઇ ગયેલા દંપતિની પોલીસે ધરપકડ કરી

381

પાંચ મહિના પહેલા સયાજી હોસ્પિટલમાં નવજાત બાળકીને ત્યજીને ફરાર થઇ ગયેલા દંપતિની પોલીસે રાજકોટથી ઝડપી પાડ્યું છે. દંપતિને પુત્ર જન્મની અપેક્ષા હતી. પરંતુ દીકરી જન્મતા તેઓ નવજાત બાળકીને હોસ્પિટલના ભરોસે છોડીને ફરાર થઇ ગયા હતા.

મધ્યપ્રદેશના વતની પ્રવિણાબહેન ઉર્ફ પવલી સુનિલભાઇ માવીએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીની તબિયત નાજુક હોવાના કારણે બેબીરૂમમાં રાખવામાં આવી હતી. પ્રવિણાબહેન અને તેના પતિ સુનિલને પુત્રની અપક્ષા હતી. પરંતુ પુત્રના બદલે બાળકી જન્મતા દંપતિ નાસીપાસ થઇ ગયું હતું. અને તક મળતા દંપતિ હોસ્પિટલના બિછાને જ નવજાત બાળકીને ત્યજી ફરાર થઇ ગયું હતું. જોકે, આ બાળકીનું ૧૦ એપ્રિલના રોજ મોત થયું હતું.

પી.એસ.આઇ. જે.ડી. મીરે જણાવ્યું હતું કે, અમારી ટીમે તપાસ ન અટકાવતા તપાસનો દોર સતત ચાલુ રાખ્યો હતો. જેમાં પોલીસને માવી દંપતિ મૂળ રહે. પાડલવા, પટેલ ફળિયું જિ.જામ્બુવા, મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું અને હાલ આ દંપતિ રાજકોટમાં મજૂરી કામ કરી રહ્યું હોવાની માહિતી મળી હતી. તુરંત જ એક ટીમ રાજકોટ ખાતે રવાના કરી હતી. અને દંપતિ પ્રવિણાબહેન અને સુનિલ લક્ષ્મણ માવી (ઉં.વ. ૨૩)ની ધરપકડ કરી વડોદરા લઇ આવ્યા હતા. દંપતિએ પૂછપરછમાં પુત્રના બદલે પુત્રીનો જન્મ થતાં છોડીને જતા રહ્યા હોવાનું જણાવ્યું હતું. દંપતિના દોઢ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. અને મહિલાની પ્રથમ ડિલિવરી હતી. દંપતિ સામે રાવપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Previous articleબ્રેટ લીએ ગુજરાત સરકારે શરૂ કરેલા કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની પ્રશંસા કરી
Next articleતસ્કરોએ ફેંકેલ લોખંડનો દરવાજો ટ્રેન સાથે અથડાતા હજારોનાં જીવ જોખમમાં મુકાયા