ધોરડોનું સફેદ રણ ઉપરવાસ અને કચ્છના વરસાદને પગલે દરિયો બન્યું

953

કચ્છની ઓળખ બનેલા સફેદ રણમાં ઉપરવાસના ભારે વરસાદને પગલે પાણી હિલ્લોળે ચડ્યા છે. સફેદ રણ દરિયો બની ગયું છે. ચારેબાજુ પાણી જ પાણી છે. અહીં દર વર્ષે પાણી સૂકાઈ જતા સફેદ રણ નિર્માણ પામે છે. ત્યારે સારા વરસાદને પગલે સફેદ રણ દરિયો બન્યું છે.

આ વર્ષે મેઘરાજાએ કચ્છ પર મહેરબાની કરી છે. સિઝનનો સૌથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે પાણી માટે તળવળતા સરહદી જિલ્લામાં પાણીનો પોકાર નહીં રહે તેવી કચ્છીઓ માની રહ્યા છે. તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી કચ્છ પર મેઘો મહેરબાન થયો છે અને રોજેરોજ વરસાદી મહેર વરસાવી રહ્યો છે. કચ્છમાં હવાનું દબાણ સર્જાયું છે તેથી ભારે થી મધ્યમ વરસાદની આગાહી છે.

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલો રણોત્સવ કચ્છનું આગવું નજરાણું બન્યું છે. પાણી સૂકાઈ જતા શિયાળામાં સુકાઇને મીઠું થઈ જાય અને સમગ્ર વિસ્તારમાં સફેદ ચાદરમાં ફેરવાઇ જાય છે. જેમાં ચાંદની રાતનું અજવાળું પથરાતાં સફેદ રણનો અદભૂત નજારો જોવા મળે છે.

કચ્છમાં આવેલા ધોરડોથી રણોત્સવની શરૂઆત થાય છે. અહીંનું અફાટ, અસીમ રણ આંખોમાં કાયમી યાદગાર બની રહે છે. દર શિયાળામાં યોજાતા રણોત્સવમાં દુર દુરથી સહેલાણીઓ આવે છે અને ગુજરાતની માટીની મહેંક સાથે કુદરતી નજારાનો મજા માણે છે.

ચાંદની રાતમાં આકાશનું સૌંદર્ય માણવાનો મોકો રણોત્સવમાં મળે છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રણોત્સવ શરૂ કરાયો હતો. લાખોની સંખ્યામાં લોકો રણોત્સવનું મુલાકાત લે છે.

Previous articleતસ્કરોએ ફેંકેલ લોખંડનો દરવાજો ટ્રેન સાથે અથડાતા હજારોનાં જીવ જોખમમાં મુકાયા
Next articleમોરારીબાપુના નીલકંઠ પરના નિવેદનની સાધુએ અવગણના કરી, બાપુએ માફી માગી