ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ‘શિક્ષક દિને’ રાજ્યભરના ૩૬ શ્રેષ્ઠ શિક્ષકોનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં સન્માન કરતા જણાવ્યું હતું કે, ગુરૂજનો સંસ્કારવાન પેઢી નિર્માણનું કાર્ય કરે છે. જેનાથી મહાન રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, આવા સંસ્કારિત શિક્ષણ કર્મથી મોટો કોઇ ધર્મ નથી.
રાજ્યપાલએ ‘ગુરૂદેવો ભવઃ’ ના આપણા સંસ્કૃતિ-સંસ્કારની યાદ અપાવતા જણાવ્યું હતું કે, દુનિયામાં માનવ નિર્માણનું કાર્ય સૌથી કઠિન છે, છતાં સૌથી જરૂરી છે. આ કાર્ય ગુરૂજનો જ કરી શકે છે. વીર પુરૂષોના શૌર્યથી, સંસ્કારવાન યુવા પેઢીના ઘડતરથી મહાન રાષ્ટ્રનું નિર્માણ થાય છે અને આ કાર્ય ગુરૂ દ્વારા ગુરૂકુળ-શાળાઓમાં થાય છે. તેમણે જણાવ્યું હતું કે, વિચારો ચિત્તમાં પ્રગટે છે અને ઊર્મિઓ હ્રદયમાં ઉઠે છે. ગુરૂ-શિષ્યના મન-હ્રદય એકાકાર થાય તો ગુરૂની સમસ્ત વિદ્યાનો આવિર્ભાવ શિષ્યમાં થાય છે. એટલે જ રાજ્યપાલએ ગુરૂજનોની સંસ્કાર સજ્જતા ઉપર ભાર મૂક્યો હતો.
રાજ્યપાલએ પુરસ્કાર વિજેતા શિક્ષકોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, એક જમાનો હતો જ્યારે ભારતના ગુરૂજનોની પ્રતિભાને કારણે દુનિયભરના લોકો ભારતમાં ગુરૂજીના ચરણોમાં બેસી વિદ્યા પ્રાપ્ત કરવા ઉમટી પડતા હતા. નાલંદા-તક્ષશિલાની જાહોજલાલીનો પણ રાજ્યપાલશ્રીએ આ તકે ઉલ્લેખ કર્યો હતો. માતા-પિતાએ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુરૂજનો ઉપર વિશ્વાસ મૂકી તેમના સંતાનોને સોંપ્યા છે, ત્યારે ગુરૂજનોની સવિશેષ જવાબદારી છે. આ કારણે જ ગુરૂજનોએ શિષ્યના નિર્માણની માત્ર ચિંતા જ નહીં; જવાબદારી પણ નિભાવવા સજ્જ બનવાનું છે. આ તબક્કે રાજ્યપાલશ્રીએ કુરૂક્ષેત્ર ખાતે ગુરૂકુળમાં પ્રધાન આચાર્ય તરીકેના પોતાના સંસ્મરણો પણ તાજાં કર્યા હતા.
વિજયભાઇ રૂપાણીએ શિક્ષક સમુદાયને સમાજ ક્રાંતિના સંવાહક ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે નયા ભારતના નિર્માણમાં ગુજરાત શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાથી લીડ લેવા પ્રતિબધ્ધ છે.
૫ સપ્ટેમ્બર શિક્ષક દિને ગાંધીનગરમાં ૩૬ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય પુરસ્કારો અર્પણ કરવાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં વિજયભાઇ રૂપાણી સંબોધન કરી રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્મા, માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહ, પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોષી, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણવીદો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.