ભાવનગર શહેર તથા જિલ્લામાં ફાગણ માસના મહાપર્વ હોળી તથા ધુળેટીના લોકોએ ઉજવણી કરી હતી ગ્રામ્ય પંથકમાં પ્રાચીન અર્વાચીન સંસ્કૃતિના દર્શન થયા તો બીજી તરફ શહેરીજનોએ પરંપરાગત પર્વને આધુનિકતાના અનોખા અભિગમ સાથે ઉજવવાનો નવો ટ્રેન્ડ અમલમાં મુક્યો છે.
આગામી સમયમાં કઠોર ગીષ્મકાલને પણ સહજ અને હર્ષભેર આવકારવા સાથો સાથ શાસ્ત્રની દંતકથા પૌરાણીક પરંપરાને અનુસરીને પ્રતિવર્ષ ફાગણ સુદ ચૌદશ એટલે હોળી પર્વ અને ફાગણ સુદ પૂનમ રંગ પર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. આવી વર્ષો જુની ઉત્સવ પરંપરા આજના આધુનિક યુગમાં પણ અકબંધ છે જે અનુસાર સમગ્ર દેશ રાજ્ય સાથો સાથ ભાવેણામાં પણ લોકોએ ફાગણ માસના લોકપ્રિય ઉત્સવને ભારે ઉમળકાભેર મનાવ્યા હતા તા.૧,૩, ને ગુરૂવારના રોજ સૂર્યાસ્ત બાદ શહેર તથા જિલ્લામાં હોળી દહન કરવામાં આવ્યું હતું શહેરમાં ઠેક ઠેકાણે સુંદર અને કલાત્મક હોળી ગોઠવવામાં આવી હતી.
લાકડા, છાણા, શ્રીફળ જેવા ઈંધણા તથા અન્ય વસ્તુઓની મદદ વડે હોળી શણગારવામાં આવી હતી હોળીના પ્રાગટ્ય બાદ લોકોએ હોળીમાં ખજુર, ધાણી, દાળીયા, કપૂર, શ્રીફળ, જેવી સામગ્રીનો હોમ કરી પાણીની પ્રદક્ષીણા કરી સારા સ્વાસ્થ અને સૌભાગ્યની કામનાઓ કરી હતી તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પૌરાણીક પરંપરાના દર્શન હોળી પર્વમાં થયા હતા ગામમાં આવેલ ચોક ચોરે જમીનમાં ઉંડો ખાડો કરી પ્રથમ નવાધાન, સાકર, શ્રીફળષ પાણી ભરેલ માટલુ દાટી તેના પર હોળી ખડકવામાં આવી હતી અને હોળી પ્રાગટ્ય બાદ મહિલાઓ, બાળકો, યુવાનો, વૃધ્ધોએ આસ્થાભેર હોલીકાની પ્રદક્ષીણા કરી હતી તથા ખેડુતો અને માલધારીઓેએ લીલા પશુ ચારાના પૂળાઓ હોળીની જવાળાને સ્પર્શ કરાવી પોતાના પશુઓને આપી દિર્ઘ આયુ સાથો સાથે ભગવાન પાસે સારી વૃષ્ટી (વરસાદ)ની કામનાઓ પણ કરી હતી ગામડાઓમાં હોળીની રાત્રીએ યુવાઓ દ્વારા જુની વિસરાતી રમતો રમી લોક સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો હતો તથા બીજા અભ્યાસુઓએ હોળીની ઝાળ સહિતની બાબતોનું બારીકાઈ પૂર્વક અવલોકન કર્યુ હતું અને આવનાર ઉનાળો ચોમાસા અંગે વરસાદનો વર્તારો પણ માંડ્યો હતો તથા ધુળેટીના દિવસે હોળીમાં દાટેલ નવધાન પ્રસાદનું માટલુ બહાર કાઢી પ્રથમ ઠાકર મંદિરે પ્રસાદ ધર્યા બાદ તેનું લોકોને વિતરણ કર્યુ હતું.તેમજ તા.૨૩ને શુક્રવારના રોજ શહેર તથા જિલ્લામાં નાના-મોટા તમામ લોકોમાં વહેલી સવારથી જ ધુળેટી રમવાનો અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો હતો શહેરના તમામ વિસ્તારોમાં બાળકો પિચકારી ફુગ્ગાઓ તથા કલર સાથે એક મેકને રોળ્યા હતા તો યુવા વર્ગે પણ સવારથી મોડી સાંજ સુધી ગૃપમાં એકઠા થઈ ધુળેટી પર્વનો આનંદ માણ્યો હતો તો બીજી તરફ શિક્ષીત અને સમાજ માટે કંઈ કરી છુટવાની ભાવના ધરાવતા યુવક યુવતીઓએ અનામત આશ્રમ, વૃદ્ધાશ્રમ તથા, ઝુપડપટ્ટીઓમાં પહોચી દીન દુઃખીઓ સાથે જોડાઈ પર્વનો આનંદ માણી સમાજને નવો રાહ ચિધ્યો હતો. ગુરૂ-શુક્રના પર્વમાં શનિવારે એક દિવસ કામકાજનો હોય સરકારી કર્મચારીઓ તથા અન્ય નોકરીયાત લોકોે ગુરૂવારથી શનિવાર અન્ય નોકરીયાત લોકોએ ગુરૂવારથી શનિવાર સુધી રજા મુકી રંગોત્સવની ઉજવણી કરવા માટે દિવ, સોમનાથ, માઉન્ટ આબુ, માથેરાન, સાપુતારા સહિતના હિલ સ્ટેશનો પર સહ પરિવાર પહોચી ગયા છે અને સતત ૪ દિવસના મિની વેકેશન બાદ સોમવારથી રોજીંદા નિત્યક્રમમાં વ્યસ્ત બનશે.
આ ઉપરાંત ભાવનગરની ભાગોળે આવેલ કુડા, હાથબ, કોળીયાક, સહિતના સાગર તટ પર ભાવનગર વાસીઓએ બારે ભીડ જમાવી હતી અને પોતાના અસલ ભાવેણી અંદાજમાં રંગોત્સવના મહાપર્વની ઉજવણીઓ કરી સમગ્ર પર્વને યાદગાર બનાવ્યું હતું.
પર્વમાં સંગીત સાથે વ્યંજન અનિવાર્ય
ભાવનગરમાં છેલ્લા કેટલાક સમયથી યુવા વર્ગ દ્વારા નવો ટ્રેન્ડ અપનાવવામાં આવી રહ્યો છે. જેમાં વિશાળ જગ્યામાં આધુનિક ડીજે સંગીતના સથવારે સ્વાદિષ્ટ ભોજનના આસાસ્વાદ સાથે પર્વની રંગત માણવાની..! આજના ધુળેટી પર્વને લઈને પણ યુવાન-યુવક-યુવતીઓ દ્વારા તથા શહેરમાં વ્યાપ્ત ખાનગી રીસોર્ટ પાર્લરો દ્વારા ધુળેટી સેલીબ્રેશનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી સાંજ સુધીની આ ઈવેન્ટરમાં યુવા હૈયાઓએ રંગ અને મસ્તીના ભાવમાં ભીંજાઈ અવનવી ભોજન સામગ્રી ખાણી પિણીનો લૂપ્ત ઉઠાવી સંગીતના તાલે ઝુમી પર્વનો આનંદ લૂટ્યો હતો.