સેનાના જવાનોની પાસે હજુ પણ આધુનિક શસ્ત્રો નથી જ

435

હાલમાં જ તૈયાર કરવામાં આવેલા નવા અહેવાલમાં કેટલીક ચિંતાજનક બાબત સપાટી પર આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ભારતીય સેના હજુ પણ નવા આધુનિક હથિયારો અને સાધનોની  મુળભૂત સુવિધાથી વંચિત રહેલા છે. સેનિકોના ઉપયોગ માટે જરૂરી ગણાતી રાઇફલ, સ્નિપર ગનથી લઇને હળવા વજનવાળી મશીનગનોથી લઇને યુદ્ધમાં પ્રયોગ કરવામાં આવતી કાર્બાઇન્સ જેવી મુળભૂત ચીજો પણ ગુણવત્તાસ્તરની દેખાઇ રહી નથી. દશકોથી સેના માટે જરૂરી હથિયારો વિદેશથી જ મંગાવવામાં આવ્યા છે. અન્ય સામગ્રી પર વિદેશથી જ પહોંચી છે. સાથે સાથે સ્વદેશી વિકલ્પો સતત ફ્લોપ રહ્યા છે જેના કારણે સ્થિતી હજુ સુધી ગંભીર બનેલી છે. ગયા સપ્તાહમાં આર્મી કમાન્ડરની થયેલી બેઠકમાં નાના હથિયારોને યુદ્ધક્ષેત્ર સુધી લઇ જવા સમય લાગે છે તે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આર્મી ચીફ બિપિન રાવતે પોતાના સિનિયર કમાન્ડરોને કહ્યુ હતુ કે સરકારી ખરીદીની પ્રક્રિયામાં સંતુલન અને યોગ્ય સ્થાન એમ બન્ને બાબતોનુ ધ્યાન રાખવાની બાબત જરૂરી હોય છે. મોટા ઓપરેશન માટે તોપ, બંદુકો, એર ડિફેન્સ મિસાઇલ અને હેલિકોપ્ટરથી લઇને કેટલીક યોજના ટ્રેક પર છે.જો કે નાના હથિયારો હજુ પણ ચિતાના કારણ તરીકે છે. હાલની સ્થિતીમાં ૧૨ લાખની ક્ષમતાવાળી ભારતીય સેનાને ૮૧૮૫૦૦ ન્યુ જનરેશન એસોલ્ટ રાઇફલ્સની જરૂર દેખાઇ રહી છે. આની સાથે જ ૪૧૮૩૦૦ ક્લોઝ ક્વાર્ટ બેટલ કાર્બાઇન, ૪૩૭૦૦ લાઇટ મશીન ગન અને ૫૬૭૯ સ્નીપર રાઇફલ ખરીદવાની યોજના છે. આ આંકડામાં એરફોર્સ અને નેવીપણ સામેલ છે. ભારતીય સેના હાલમાં વિશ્વમાં ચીન બાદ સૌથી મોટી સેના છે.

ભારતીય સેનામાં ૪૧૧૬૨ ઓફિસર અને ૧૧.૬ લાખ સેનિકો છે. છ ઓપરેશનલ કમાન્ડસ્‌ અને એક ટ્રેનિગ કમાન્ડ છે. ઇન્ફેન્ટરીમાં સૌથી વધુ ૪.૮ લાખ જવાનો છે.  જેમાં ૩૮૨ બટાલિયન અને ૬૩ રાષ્ટ્રીય રાઇફલ યુનિટ છે. દરેક ઇન્ફેન્ટરી બટાલિયનમાં ૮૦૦-૯૦૦ સેનિકો હોય છે. ભારતીય સેનાને આધુનિક બનાવવા માટેની વારંવાર વાત થતી રહી છે પરંતુ હજુ સુધી પુરતી સંખ્યામાં સાધનો ઉપલબદ્ધ કરાવાયા નથી. સુત્રોના કહેવા મુજબ ૫૦૦ મીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવનાર નવી એસોલ્ટ રાઇફ્લ્સની જરૂર સંબંધી પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે ઔપચારિકતા માટે આને સંરક્ષણ મંત્રાલયની પાસે મંજુરી માટે મોકલી દેવામાં આવનાર છે. ખરીદી અને વેચાણ મોડલ માટે ઔપચારિક ટેન્ડર કાઢતા પહેલા મંત્રાલયની મંજુરી લેવી પડે છે. તાજેતરના સમયમાં પાકિસ્તાન અને ચીનની સાથે ભારતની ખેંચતાણ ચાલી રહી છે. આ ગાળા દરમિયાન ભારતીય સેનાની તાકાતનો મામલો ઉઠાવાયો હતો. જો કે ભારતે પોતાનુ કઠોર વલણ જારી રાખતા ચીનને અંતે તેના સૈનિકોને પાછા ખેંચી લેવાની ફરજ પડી હતી. બીજી બાજુ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવે છે. આવી સ્થિતીમાં જવાનો સામે પડકાર રહે છે. કલમ ૩૭૦ની નાબુદી બાદ હવે પડકારો વધી ગયા છે. પાકિસ્તાન દ્વારા વારંવાર પરમાણુ હુમલા સહિતની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનના નાપાક ઇરાદા વારંવાર સપાટી પર આવી રહ્યા છે. આવી સ્થિતીમાં ભારતીય જવાનોની પાસે પુરતા પ્રમાણમાં હથિયારો રહે તે જરૂરી છે. જવાનોની પાસે હાલમાં મુળભૂત સુવિધા નથી તે હેવાલ બાદ ફરી એકવાર આ મામલે સંરક્ષણ ક્ષેત્રે રહેલા નિષ્ણાંતોમાં ચર્ચા જોવા મળે છે.

Previous articleચન્દ્ર પર ઉતરતી વેળા છેલ્લા ૧૪ મિનિટ દિલધડક રહેશે
Next articleફેમા કેસ : જેટ એરવેઝના ગોયલની પુછપરછ