ભાવનગર શહેરની નવાપરા પોલીસ લાઈનના પોલીસ સંસ્કાર કેન્દ્ર ખાતે ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરાયું હતું.જેમાં રાજ્યકક્ષાના શિક્ષણ અને મહિલા બાળ કલ્યાણમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ વૃક્ષારોપણ કર્યું હતું અને જણાવ્યું હતું કે માનવીય સંવેદનાઓને ઝીલવાનું અને તેનું નિરાકરણ લાવવાનું ઉત્કૃષ્ટ કામ સૌથી વધુ પોલીસ વિભાગ દ્વારા થાય છે અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ વૃક્ષારોપણની પહેલ આનંદ દાયક છે. ભાવનગર જિલ્લો હાલ વૃક્ષારોપણમાં રાજ્યમાં દ્વિતીય ક્રમે છે. પરંતુ જો સૌનો સહિયારો પ્રયાસ રહેશે તો ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે આવશે એ દિવસો દૂર નથી. એમ કહી ઉપસ્થિત લોકોને મંત્રીશ્રીએ ભાવનગર જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવા વૃક્ષમીત્રો બનવા અપીલ કરી હતી. આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ભાવનગર રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણ કુમાર બરનવાલ, ઈન્ચાર્જ એસ.પી. ડી.ડી. ચૌધરી તેમજ નાયબ પોલીસ અધિક્ષક મનીષ ઠાકર તેમજ બહોળી સંખ્યામા પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યુ હતુ.