ભલે ચંદ્રયાન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહ્યું પણ ચંદ્રયાન-૨ મિશનને લઈને દુનિયા આખી ભારતની અવકાશી સંસ્થા ઈસરોના બે મોઢે વખાણ કરી રહ્યું છે. દુનિયાની નંબર વન એવી અમેરિકાની નાસા જેવી એજન્સીએ ભારત અને ઈસરોના આ પ્રયત્નને ખુબ બિરદાવ્યું છે. નાસાએ મિશન ચંદ્રયાનની મુસાફરીને પોતાના માટે પ્રેરણા ગણાવી છે.
નાસાએ આ સાથે જ ભવિષ્યમાં અવકાશ ક્ષેત્રે ઈસરો સાથે મળીને કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. તો બીજી બાજુ યુનાઈટેડ આરબ અમીરાતની સ્પેસ એજન્સીએ પણ ટ્વીટ કરીને ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે અને ભારતને સ્પેસ સેન્ટરનો મહત્વનો ખેલાડી ગણાવ્યો છે.
અમેરિકાની નાસાએ ટ્વીટ કરીને કહ્યું કે “અંતરિક્ષ શોધ એક મુશ્કેલ ક્ષેત્ર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૨ મિશનનું લેન્ડિંગ કરાવવાના ઈસરોના પ્રયત્નના અમે આવકારીએ કરીએ છીએ. તમે અમને તમારી મુસાફરીથી પ્રેરિત કર્યાં છે અને આશા કરીએ છીએ કે ભવિષ્યમાં આપણને સૂર્યમંડળમાં મળીને કામ કરવાની તક મળશે.”
યુએઈ સ્પેસ એજન્સીએ પણ કર્યા ભારોભાર વખાણ
સ્પેસના મેદાનમાં ભારત એક મહત્વની તાકાત-યુએઈ સ્પેસ એજન્સી
યુનાઈટેડ આરબ અમીરાતની સ્પેસ એજન્સીએ ટ્વીટ કરીને કહ્યું કે, ચંદ્રયાન ૨ના લેન્ડર વિક્રમ, કે જેણે ચંદ્ર પર લેન્ડ કરવાનું હતું, તેનાથી સંપર્ક તૂટ્યા બાદ અમે ઈસરોને અમારા પૂરેપૂરા સહયોગનું આશ્વાસન આપીએ છીએ. ભારતે પોતાને સ્પેસ સેક્ટરની મહત્વની તાકાત સાબિત કરી છે અને તેના વિકાસ અને ઉપલબ્ધિમાં ભાગીદાર છે.”
ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સી પણ ઈસરો પર ફિદા
ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીએ ટ્વીટ કરીને કહ્યું કે લેન્ડર વિક્રમ, ચંદ્રમાં પર પોતાના મિશનને સાકાર કરવામાં થોડા કિમી જ દૂર હતું. ઈસરો અમે તમારા પ્રયત્નો અને અંતરિક્ષમાં મુસાફરી ચાલુ રાખવાની તમારી પ્રતિબદ્ધતાને બિરદાવીએ છીએ.
દુનિયાભરના અવકાશ વૈજ્ઞાનિકોએ ઈસરોના કર્યા વખાણ
દુનિયાભરના અંતરિક્ષ સમર્થકો અને શોધકર્તાઓએ શનિવારે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) અને તેના ૧૬,૦૦૦થી વધુ વૈજ્ઞાનિકો દ્વારા ભારતના ચંદ્ર મિશનને લગભગ પૂરું કરવાના પ્રયત્નોના વખાણ કર્યાં. અત્રે જણાવવાનું કે ચંદ્રયાન-૨નું લેન્ડર વિક્રમ ચંદ્રમાની સપાટી પર ઉતરવાના ૨.૧ કિમી પહેલા જ ઈસરો સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. જો કે ૨૩૭૯ કિગ્રાનું ઓર્બિટર ચંદ્રમાની ચારેબાજુ ચક્કર મારી રહ્યું છે.