આસામમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) માટે ફાઈનલ યાદી જારી કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રથમ વખત રાજ્યમાં પહોંચ્યા હતા. નોર્થઇસ્ટ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચેલા અમિત શાહે કહ્યું હતું કે, પૂર્વોત્તરને ખાસ દરજ્જો આપનાર કલમ ૩૭૧ સાથે કોઇ ચેડા કરવામાં આવનાર છે. પૂર્વોત્તરને મળેલા ખાસ દરજ્જામાં ફેરફારની કોઇ યોજના નથી. ભાજપ સરકાર આ ખાસ દરજ્જાનું સન્માન કરે છે. અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ સરકાર પૂર્વોત્તરના રાજ્યોને જે સુવિધા મળેલી છે તેમાં કોઇ ફેરફાર કરવા ઇચ્છુક નથી. મહાભારતના યુદ્ધની અંદર બબરુ વાહન હોય કે પછી ઘટોત્કચ્છ હોય બંને નોર્થઇસ્ટના હતા. અર્જુનના લગ્ન અહીં મણિપુરમાં થયા હતા. શ્રીકૃષ્ણ ભગવાનના પૌત્રના લગ્ન પણ નોર્થઇસ્ટમાં થયા હતા. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ તેના ક્લોન ગણાતા ૩૭૧ને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે આજે અમિત શાહે આ મુજબની સ્પષ્ટતા કરી હતી. કલમ ૩૭૦ની જેમ જ કલમ ૩૭૧ને પણ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કલમ ૩૭૧ નોર્થઇસ્ટના છ રાજ્યો સહિત ભારતના ૧૧ રાજ્યોમાં લાગૂ થાય છે. બંધારણની કલમ ૩૭૧એ હેઠળ આવી કોઇપણ વ્યક્તિને નાગાલેન્ડમાં જમીન ખરીદવાના અધિકાર નથી જે ત્યાંના સ્થાનિક નાગરિક નથી. અહીં જમીનો માત્ર રાજ્યના આદિવાસીઓ જ ખરીદી શકે છે. ભારતીય સંઘના સૌથી છેલ્લે વર્ષ ૧૯૭૫માં સામેલ સિક્કિમને પણ બંધારણમાં કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે. કલમ ૩૭૧એફ દ્વારા રાજ્ય સરકારને સમગ્ર રાજ્યની જમીનના અધિકાર આપવામાં આવેલા છે. ભારતમાં મર્જ થતાં પહેલા કોઇની ખાનગી જમીન હોય તો પણ તેના અધિકાર સરકારની પાસે રહેલા છે.
રસપ્રદ બાબત એ છે કે, આ જોગવાઈના કારણે સિક્કિમમાં વિધાનસભાની અવધિ ચાર વર્ષની રાખવામાં આવી છે. આનો ભંગ સ્પષ્ટપણે જોવા મળે છે. અહીં દર પાંચવર્ષે ચૂંટણી યોજાઈ રહી છે.
કલમ ૩૭૧ નોર્થઇસ્ટના છ રાજ્યો સહિત ભારતના ૧૧ રાજ્યમાં અમલી છે જે હેઠળ આ રાજ્યોને જુદાજુદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ખાસ કરીને વિશેષ પ્રકારના અધિકારી મળી રહ્યા છે જેના લીધે કેટલીક તકલીફો પણ આવી રહી છે. કલમ ૩૭૦ની નાબૂદી બાદ એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે કે, હવે કલમ ૩૭૧ હેઠળ પૂર્વોત્તરને મળેલા વિશેષ દરજ્જામાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.