કડક ટ્રાફિક નિયમોથી બચવા યુવાને તમામ દસ્તાવેજો હેલ્મેટ પર લગાવ્યા

763

વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં વિજયનગરમાં રામપાલ શાહ રહે છે. તેઓ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરે છે. બુલેટ ધરાવતા રામપાલ હેલ્મેટ પહેરીને જ પોતાનું વાહન ચલાવતા હતા. પરંતુ આગામી દિવસોમાં કમરતોડ દંડ સાથે ગુજરાત સરકાર દ્વારા સંભવતઃ અમલ થનારા ટ્રાફિક નિયમના કાયદાથી બચવા માટે તેઓએ પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વાહનના વીમાની કોપી લગાવી દીધી છે. આજે તેઓ રોડ પોતાની બુલેટ લઇને નીકળતા રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

રામપાલ શાહે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમના કાયદાનું પાલન કરવું મારી ફરજ છે. મારી પાસે બુલેટ છે. બીજુ કે મને ભૂલવાની આદત હોવાથી હેલ્મેટ ઉપર મે ટ્રાફિક નિયમના તમામ દસ્તાવેજો લગાવી દીધા છે. ટ્રાફિક પોલીસ ઉભા રાખે ત્યારે તેઓને હેલ્મેટ બતાવી દઉં છું. અકસ્માતથી બચવા હેલ્મેટ પહેરવું જરૂરી છે. આગામી દિવસોમાં વધુ દંડ સાથેનો કાયદો અમલમાં આવી રહ્યો છે. પરંતુ જો દરેક વાહન ચાલક હેલ્મેટ પહેરે અને પોતાની પાસે તમામ દસ્તાવેજ રાખે તો દંડ ભરવાનો આવશે જ નહીં. લોકોને પણ મારી અપીલ છે કે, હેલ્મેટ પહેરો અને સાથે તમામ દસ્તાવેજ રાખો. અને દંડની રકમ ભરવાથી બચો.

Previous articleમોહરમ નિમિત્તે તાજીયા ઠંડા કરવા એએમસીએ કૃત્રિમ કુંડ તૈયાર કર્યા
Next articleગેંગસ્ટર મુકેશ હરજાણી મર્ડર કેસમાં સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા