ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : વલસાડમાં ૭ ઇંચ વરસાદ

605

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર યથાવતરીતે જારી રહી છે. વલસાડમાં છ કલાકમાં જ સાત ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ આજે જોવા મળી હતી. બીજી બાજુ રાજ્યના અનેક ભાગોમાં છ ઇંચ સુધીનો વરસાદ થયો છે. બારડોલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે જ્યારે સોનગઢ અને ખેરગામમાં ચાર-ચાર ઇંચ વરસાદ પડ્યો છે. આવી જ રીતે ડોલવણ અને વધઈમાં પણ ચાર-ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે. તાપીના સોનગઢમાં ચાર ઇંચથી વધુ વરસાદથી ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. આવી જ રીતે આહવામાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન ઉપર પ્રતિકુળ અસર થઇ છે. સાપુતારામાં અઢી ઇંચથી વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ જારી રહ્યો હતો. રાજકોટ, ભાવનગર, પોરબંદર અને અન્યત્ર વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત કચ્છના મોટાભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના જે ભાગોમાં ભારે વરસાદ થયો છે જેમાં અમરેલીનો સમાવેશ થાય છે. રાજકોટમાં આજે સતત બીજા દિવસ ભારે વરસાદ થયો હતો અને બે કલાકના ગાળામાં જ બે ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ ભારે વરસાદ જારી રહી શકે છે. ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટર-કચ્છના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદી માહોલ રહ્યો છે. વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયો હતો. પરંતુ જુલાઈ મહિનામાં ધોધમાર અને ખાસ કરીને ઓગસ્ટ મહિના વરસેલા સાર્વત્રિક વરસાદે ગુજરાત રાજયનું ચિત્ર બદલી નાખ્યું છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં અને ચાલુ સપ્ટેમ્બર માસના પ્રથમ નવ દિવસમાં મેઘરાજાએ  જોરદાર ધડબડાટી બોલાવી હતી. જેને પગેલ અત્યાર સુધીમાં ગુજરાત રાજયમાં સીઝનનો ૧૧૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના ૨૦૪ ડેમોમાં ૮૦.૬૯ ટકા અને સરદાર સરોવર ડેમમાં ૯૨ ટકા જળ સંગ્રહ થતા આગામી બે વર્ષ સુધી પીવાના અને સિંચાઈના પાણીનો કકળાટ નહિં રહે. આ વખતના ઘણા સારા અને સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના જળાશયો-ડેમોમાં ૮૦.૬૯ ટકા અને સરદાર સરોવરમાં ૯૧.૩૩ ટકા જળ સંગ્રહ થઇ ગયો છે. ગુજરાતના ૨૦૪ ડેમોમાં ૮૧.૫૪ ટકા જળ સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે ૯૧.૨૬ ટકા પાણી ભરાયું છે. જેથી બે વર્ષ સુધી પીવાના અને સિંચાઈના પાણીનો કકળાટ નહિં રહે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ ડેમોમાં ૭૫.૩૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૯ ડેમોમાં ૭૫ ટકા અને ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો ૮૯૮ મિમી એટલે કે ૧૧૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેથી ગુજરાતના ૨૦૪ ડેમોમાંથી ૧૦૧ ડેમોને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જ્યારે ૧૮ ડેમોમાં ૮૦-૯૦ ટકાથી વધુ પાણી સંગ્રહ થતા એલર્ટ પર મુકવામાં આવ્યા છે. આ સિવાય અન્ય ૭ ડેમોમાં ૭૦-૮૦ ટકા પાણી હોવાથી વોર્નિંગ અપાઈ છે. સરદાર સરોવર ડેમની સપાટી હોલ ૧૩૬ મીટરે પહોંચી છે. ડેમના મુખ્ય ઈજનેર મુજબ હજુ ડેમનો પ્રવાહ ચાલુ હોવાથી સપ્ટેમ્બરના અંત સુધીમાં ડેમની સપાટી ૧૩૮ મીટરને પાર થઈ જશે.

આજે નર્મદા ડેમના ૨૪ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણીની જળસપાટી યોગ્ય સ્તરે જાળવી રાખવાનો પ્રયાસ થયો હતો. ગુજરાતમાં હજુ સુધી ૧૦૯.૯૯ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. વરસાદી માહોલ  જારી રહેવાની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં ૧૦૯.૯૯ ટકા વરસાદ : ખેડૂત ખુશખુશાલ

ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં સરેરાશ ૧૦૯.૯૯ ટકા વરસાદ વરસ્યો. રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ ગઇ.જેના પરિણામે રાજ્યમાં ૭૨ જળાશયો છલકાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં ભરૂચમાં ૧૪૬.૧૯ ટકા, છોટા ઉદેપુરમાં ૧૪૨.૭૨ ટકા, કચ્છમાં ૧૪૦.૯૯ ટકા, જામનગરમાં ૧૩૭.૪૭ ટકા, બોટાદમાં ૧૩૫.૩૩ ટકા, મોરબીમાં ૧૩૨.૧૫ ટકા, નર્મદામાં ૧૨૪.૫૭ ટકા, વલસાડમાં ૧૨૦.૨૦ ટકા, સુરતમાં ૧૧૯.૯૨ ટકા, સુરેન્દ્રનગરમાં ૧૧૭.૮૨ ટકા, પંચમહાલમાં ૧૧૫.૭૮ ટકા, રાજકોટમાં ૧૧૦.૨૩ ટકા, નવસારીમાં ૧૧૦.૧૮ ટકા, ભાવનગરમાં ૧૦૭.૬૧ ટકા, જૂનાગઢમાં ૧૦૬.૭૯ ટકા, આણંદમાં ૧૦૬.૪૯ ટકા, તાપીમાં ૧૦૬.૪૫ ટકા, વડોદરામાં ૧૦૩.૩૪ ટકા, દેવભૂમિદ્વારકામાં ૧૦૨.૧૭ ટકા અને ખેડામાં ૧૦૧.૩૫ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે. રાજ્યમાં સરેરાશ ૧૦૯.૯૯ ટકા વરસાદ થવાથી રાજ્યના ૨૦૪ જળાશયોમાં પાણીનો સંગ્રહ ૮૧.૫૪ ટકા થયો છે. રાજ્યના ૭૨ જળાશયો છલકાયા છે. ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ ૩૦૪૮૮૮.૫૨ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૧.૨૬ ટકા છે. રાજ્યના ૮ જળાશયોમાં ૧૦,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે. સરદાર સરોવરમાં ૩,૮૮,૫૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૩,૨૮,૭૩૧ કયુસેક જાવક છે. ઉકાઇમાં ૫૫,૭૨૬ ક્યુસેક આવક છે, જેની સામે ૫૪,૫૨૬ કયુસેક જાવક છે. વણાકબોરીમાં ૪૮,૪૩૮ ક્યુસેક આવક છે, જેની સામે ૪૬,૫૩૮ કયુસેક જાવક છે. કડાણામાં ૪૭,૭૧૨ ક્યુસેક આવક છે, જેની સામે ૫૭,૫૮૬ કયુસેક જાવક છે. દમણગંગામાં ૨૦,૨૩૫ ક્યુસેક આવક છે, જેની સામે ૯,૧૦૭ કયુસેક જાવક છે. આજી-૪માં ૧૧,૧૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૧૧,૧૯૨ કયુસેક જાવક છે. હીરણ-રમાં ૧૦,૩૫૧ ક્યુસેક આવક છે જેની સામે ૧૦,૩૫૧.૪ કયુસેક જાવક છે. જ્યારે ઉંડ-૧માં ૧૦,૨૬૮ ક્યુસેક આવક છે, જેની સામે ૧૦,૨૬૮ કયુસેક જાવક છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૩૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૭૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ જળસંપત્તિ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

Previous articleકેસોની પેન્ડેન્સી ઘટે તે માટે સરકાર કટિબદ્ધ છેઃ રૂપાણી
Next articleભાવનગર નાગરિક સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ