સમગ્ર ગોહિલવાડ પંથકની સાથો સાથ ભાવનગર શહેર અને જિલ્લામા ંછેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને જળાશયોમાં નવા નીરની આવક થવા પામી હતી. ભારે વરસાદના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા પણ એલર્ટ અપાયુ છે. છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગર જિલ્લામાં જેમા ખાસ કરીને ભાવનગર શહેર અને મહુવા પંથકમાં ૪ થી ૫ ઈંચ જેટવો વરસાદ પડ્યો છે. જેના કારણે શહેરના નિચાણવાળા સહિત મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા હતા. ખાસ કરીને રેલ્વે સ્ટેશન રોડ, દાણાપીઠ, અલકા ટોકીઝ, કુંભારવાડા સહિતની વીસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા નિચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસી જવા પામ્યા હતા. જેના પગલે તંત્રએ તમામ તૈયારીઓ રાખી હતી. ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે મહુવા પથકમાં ૪ ઈચં જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. આ ઉપરાંત ગારીયાધાર, ઘોઘા, જેસર, તળાજા, પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા, અને સિહોર પંથકમાં અડધાથી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં પમ થયેલા ભારે વરસાદના કારણે પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે જ્યારે ભાવનગર શહેરના બોરતળાવમાં પણ પાણીની આવક થતા સપાટી ૩૪ ફુટે પહોચી જવા પામી છે.