વડોદરા શહેરના મધ્યે આવેલી સર સયાજીરાવ ગાયકવાડ હૉસ્પિટલમાં આગ લાગી છે. હૉસ્પિટલના બાળકોના વિભાગેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હાલમાં આગની ઘટનાના પગલે એસએસજીના બાળકોના આઈસીયુ વિભાગના પેશન્ટ્સને શિફ્ટ કરાયા છે. બાળકોના વિભાગમાં ત્રીજા અને ચોથા માળે આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. પીડિયાટ્રિક વિભાગમાં ૧૫ વર્ષ સુધીના બાળકો ભરતી કરાયા હતા. ભયના માહોલની વચ્ચે વાલીઓ પણ પોતાના બાળકોને લઈને દોડ્યાં હતા.
પ્રાપ્ત અહેવાલો મુજબ ફાયરબ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. એકબાજુ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે શોર્ટ સર્કિટ થયો હોવાની આશંકા છે. પીડિયાટ્રિક વિભાગમાં આગ લાગતાં એક તબક્કે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ફાયર એક્ઝિટ માટે તૈયાર કરાયેલા ખાસ રસ્તેથી બાળકોને ફાયરબ્રિગેડ અને સિક્યોરિટીના જવાનોએ તાત્કાલિક ખસેડી લીધા હતા.
વડોદરાની એસ.એસ.જી હૉસ્પિટલથી ફાયરબ્રિગેડ લાંબા અંતેર ન હોવાના કારણે તાત્કાલિક પણે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી. આગ લાગતાં સમયસર ફાયરબ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી. આગના પગલે પીડિયાટ્રિક વિભાગના ૩૫ જેટલાં બાળકોને સલામત વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.