છઠીયારડાના મહમદહનીફ હમીદખાન પઠાણ કે જે હાલ આર્મીમાં ફરજ બજાવે છે તેને ગામમાં રહેતી જ્ઞાતિની અલ્તફીનબાનુ (૨૨) સાથે વર્ષ ૨૦૧૮, જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા. માત્ર ૩ મહિના બાદ પિયરથી કરિયાવર લાવેલી નથી તેમ કહી અસહ્ય ત્રાસ આપતાં સાસુ, સસરાથી કંટાળી મહિલા પિયર રહેવા ચાલી ગઇ હતી. ૧૦ દિવસ પહેલાં રજા પર આવેલા મહમદહનીફ પઠાણે મહિલાના પિતા પાસે નવી ગાડી લીધેલી હોઇ રૂ.૫ લાખ મોકલી આપો તેવી વાતચીત કરતાં તેમણે મજૂરીકામ કરીને ભેગા કરેલા રૂ. એક લાખ લઇને પુત્રીને સાસરીમાં મોકલી હતી. પરંતુ નાણાં ઓછા પડતાં મંગળવારે સવારે મહિલાને પતિ, સાસુ, સસરા અને જેઠે ભેગા મળીને અસહ્ય માર માર્યો હતો, જ્યારે સાંજે પતિએ તેને ગાલ પર લાફા મારીને ૩ વખત તલાક બોલી તલાક આપી દીધા હતા.
દયનિય હાલતમાં મૂકાયેલી આ મહિલાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઇ ઓ.એમ. દેસાઇને સમગ્ર ઘટનાની જાણ કરતાં મહમંદહનીફ પઠાણ સહિતની વિરુદ્ધમાં મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ એક્ટ ૨૦૧૯ની કલમ ૩,૪, દહેજ પ્રતિબંધક કલમ ૪, હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં મહિલાના સસરા સહિત ૩ની ધરપકડ કરી ફરાર પતિને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.