સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં મેઘમહેર : ૮ ઇંચ વરસાદ

443

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોનસુન જોરદાર રીતે સક્રિય રહ્યું છે. બીજીબાજુ ગીરસોમનાથ, જુનાગઢમાં ભારે વરસાદ થયો છે. બીજીબાજુ જામખંભાળિયામાં માત્ર ચાર કલાક ગાળામાં આઠ ઇંચથી વધુ વરસાદ થતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સજાઈ ગઈ છે. આવી જ રીતે સુત્રાપાડામાં આઠ ઇંચથી વધુ વરસાદ થયો છે. વિસાવદરમાં પણ આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે. ઉમરપાડામાં ગઈકાલે ૧૬ ઇંચ વરસાદ થયા બાદ આજે પણ અતિભારે વરસાદ જારી રહ્યો હતો અને વધુ ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. જલાલપોરમાં કલાકોના ગાળામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત ગીર સોમનાથના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આજે સવારેથી ૮૫ તાલુકાઓમાં વરસાદ થયો છે. આજે સવારે છ કલાકના ગાળામાં માંગરોળમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. માણવદરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. કેસોદમાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજકોટ, અમરેલી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યભરમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૯૫ તાલકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૨૦૦ મી.મી. અને જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૧૯૫ મી.મી. એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.  રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજ તા.૧૧ સપ્ટેમ્બર સવારે ૬.૦૦ કલાક સુધીમાં વેરાવળ તાલુકામાં ૧૦૫ મી.મી., કોડીનારમાં ૧૦૦ મી.મી. અને જલાલપોરમાં ૯૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ચોર્યાસી તાલુકામાં ૯૪ મી.મી., નવસારીમાં ૯૨ મી.મી., વાપીમાં ૯૦ મી.મી., મહુવામાં ૮૮ મી.મી.,અમદાવાદ શહેર અને ગઢડામાં ૮૫ મી.મી., દહેગામ અને ડોલવણમાં ૮૫ મી.મી., રાજુલા-માંગરોળમાં ૭૮ મી.મી., સાવરકુંડલામાં ૭૫ મી.મી. મળી કુલ ૧૧ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જ્યારે કડી, ડભોઇ, બોટાદ, માલપુર, વલ્લભીપુર, ગાંધીનગર, ખંભાત, માંડવી, જાંબુઘોડા, સાણંદ, વાલોડ, માંગરોળ, જાફરાબાદ, વાગરા, કપરાડા, વંથલી, ધંધૂકા, મહુધા, પારડી, વસો, થરાદ, દસક્રોઇ, બગસરા, કામરેજ, વલસાડ, ધોલેરા, મહેમદાવાદ અને ઘોઘા મળી કુલ ૨૮ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૫૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. આજે તા. ૧૧/૦૯/૨૦૧૯ને સવારે ૬.૦૦  થી ૧૨.૦૦ કલાક સુધીમાં માણાવદરમાં ત્રણ ઇંચથી વધુ, કુતિયાણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, વિસાવદર, માંગરોળ, કેશોદમાં બે ઇંચથી વધુ અને તલાળા, વડીયા, ભેંસાણમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ૪૮ કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે

ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જે વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદાનગર હવેલીનો સમાવેશ થાય છે. ભારે વરસાદના લીધે એકબાજુ ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે. ત્યારે બીજી બાજુ હજુ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ગુજરાતમાં વરસાદી માહોલ બનેલો છે. રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સીઝનનો સૌથી વધુ ૧૧૬.૫૯ ટકા વરસાદ આ વખતના ચોમાસામાં નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગે હજુ ૪૮ કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના આપવામાં આવી છે. હજુ આગામી ૪૮ કલાક દરમ્યાન રાજયમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જેથી ૧૦૦ ટકા કરતા વધુ વરસાદવાળા જિલ્લાઓમાં અતિવૃષ્ટિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ પડેલા જિલ્લાઓમાં ભરૂચમાં ૧૫૫ ટકા, ડાંગ ૧૨૬ ટકા, વલસાડ ૧૨૫ ટકા વરસાદ નોંધાઈ ગયો છે.

નર્મદા ડેમની સપાટી વધી ૧૩૭ મીટર સુધી પહોંચી

ઉપરવાસમાંથી ૧૦.૧૬ લાખ ક્યૂસેક પાણીની આવકને પગલે નર્મદા ડેમની સપાટી વધીને સૌપ્રથમવાર ૧૩૭ મીટર ઉપર પહોંચી ગઇ છે અને નર્મદા ડેમમાંથી ૨૪ દરવાજા ૪.૧૫ મીટર સુધી ખોલીને આઠ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને ભરૂચ નજીક ગોલ્ડન બ્રીજે નર્મદા નદીની સપાટી ૩૧.૮૫ ફૂટ ઉપર પહોંચી ગઇ છે. નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાતાં ભરૂચ નર્મદા કાંઠે અઢી હજારથી વધુ લોકોનું સ્થળાંતર તંત્ર દ્વારા કરાવવામાં આવ્યું હતું. નર્મદા ડેમની સપાટી જે પ્રમાણે સતત વધી રહી છે તે જોતાં તા.૧૮મી સપ્ટેમ્બર સુધીમાં ડેમ ઓવરફલો થવાની શકયતાઓ સેવાઇ રહી છે. નર્મદા ડેમમાં એક કલાકમાં પાણીની આવકમાં ૧,૮૦,૦૦૦ ક્યૂસેકનો વધારો થયો છે અને એક કલાકમાં ડેમની સપાટી ૯ સે.મી.નો વધારો થઇ રહ્યો છે. જેને પગલે કેવડિયાના ગોરા બ્રીજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

Previous articleસીએમ રૂપાણીનાં હસ્તે રૂ.૫૯૧ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
Next articleગુજરાતમાં ગણેશ વિસર્જનને લઈને તૈયારી : શ્રદ્ધાળુ સજ્જ