દસ દિવસના ગણેશ મહોત્સવ બાદ આવતીકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગણેશભકતો દ્વારા ભારે ભકિતભાવ અને ભારે હૈયે ગણેશ વિસર્જન કરવામાં આવશે અને આવતા વર્ષે દાદાને વ્હેલા પધારવા વિનંતી કરવામાં આવશે. દસ દિવસ સુધી પોતપોતાના વિસ્તારમાં વિશાળ પંડાલ-શામિયાણા અને મંડપોમાં પૂજા-વિધી, આરતી અને ભકિત-વંદના કર્યા બાદ હવે આવતીકાલે લાખો શ્રધ્ધાળુઓ અને ગણેશભકતો ભારે હૈયે દાદાની મૂર્તિને વિદાય આપી તેનું વિસર્જન કરશે, ત્યારે ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયાના નારાઓ ગુંજી ઉઠશે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો બીજીબાજુ, ટ્રાફિક નિયમન અને સરળતા માટે રૂટ ડાયવર્ટીંગ અને વાહન પ્રતિબંધ અંગેના જાહેરનામા પણ જારી કરાયા છે. અમ્યુકો તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા મળી ૬૦થી વધુ કૃત્રિમ જળાશયો(કુંડ) બનાવાયા છે ત્યારે તેમાં ગણેશભકતો દ્વારા મૂર્તિનું વિસર્જન કરવાની તંત્ર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે. આવતીકાલે શહેર સહિત રાજયભરમાં માર્ગો પર ઠેર-ઠેર ગણેશભકતો નાની-મોટી ટ્રકો, ટાટા-૪૦૭, જીપ-કાર સહિતના વાહનોમાં ડી.જે, મ્યુઝિકના તાલ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે સરઘસ-રેલી કાઢી વિસર્જન યાત્રા કાઢશે અને બાદમાં નમ આંખો સાથે ભારે હૈય્યે આવતા વર્ષે વહેલા આવવાની દાદાને પ્રાર્થના કરી મૂર્તિઓનું વિસર્જન કરશે. ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશભકતો પોતપોતાની શ્રધ્ધા અને આસ્થા પ્રમાણે દાદાની પૂજા-આરાધના કરી હતી અને એક, બે, પાંચ, નવ અને દસ દિવસ સુધી દાદાની સેવા-પૂજાની માનતા માની હતી. આવતીકાલે ગણેશ મહોત્સવનો છેલ્લો દિવસ છે અને તેથી અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારે ધામધૂમપૂર્વક અને ઉત્સાહના માહોલ વચ્ચે દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.
ગણેશભકતો દ્વારા આ માટેની ખાસ તૈયારીઓ અને આયોજન કરાયા છે. લાખો શ્રધ્ધાળુભકતો પોતપોતાના વિસ્તારમાંથી દાદાની આકર્ષક અને વિવિધ સ્વરૂપોની મૂર્તિઓ નાની મોટી ટ્રક સહિતના વાહનોમાં લઇ વિસર્જનના સ્થળોએ જશે અને ભકિતભાવ સાથે દાદાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરશે. વહીવટીતંત્ર દ્વારા દાદાની મૂર્તિઓના વિસર્જનની ખાસ વ્યવસ્થા કરાઇ છે, તો પોલીસતંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીનો પૂરતો બંદોબસ્ત તૈનાત કરાયો છે. આવતીકાલે મોડી રાત સુધી અમદાવાદ શહેર સહિત ગણેશ વિસર્જન ચાલશે અને તેને લઇ રાજયભરમાં ગણેશભકિતનો માહોલ ફરી છવાશે. ગણેશભકતો દાદાને ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયા એટલે કે, દાદા આવતા વર્ષે વહેલા પધારજો એમ કહી વિસર્જન કરશે અને આવતા વર્ષે તેમના વહેલા આવવાની રાહ જોશે. દરમ્યાન અમદાવાદના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા ૩૫થી વધુ સ્થળોએ નાના-મોટા ૬૦થી વધુ કૃત્રિમ જળાશયો તૈયાર કરી ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરાઇ છે. ગણેશ વિસર્જન દરમ્યાન ૩૫૦થી વધુ ફાયરબ્રિગેડના જવાનો લાઇફ સેવીંગ જેકેટ, રસ્સા, બોટ સહિતની તૈયારીઓ સાથે ગણેશભકતોની સેવામાં તૈનાત રહેશે. નાગરિકોને ગણેશ વિસર્જન દરમ્યાન સાવચેતી રાખવા અને ઉંડા પાણીમાં દૂર સુધી નહી જવા તેમણે અપીલ કરી હતી. જો કે, આ વખતે હાઈકોર્ટ દ્વારા સમુદ્ર, નદી કે તળાવમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ લગાવાયો હોઈ તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે અને અન્ય સ્થળોએ મળીને કુલ ૩૫ નાના-મોટા કુંડ બનાવાયા છે. આવતીકાલે લાખો શ્રધ્ધાળુઓ અને ગણેશભકતો ભારે હૈયે દાદાની મૂર્તિને વિદાય આપી તેનું વિસર્જન કરશે, ત્યારે ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયાના નારાઓ ગુંજી ઉઠશે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો બીજીબાજુ, ટ્રાફિક નિયમન અને સરળતા માટે રૂટ ડાયવર્ટીંગ અને વાહન પ્રતિબંધ અંગેના જાહેરનામા પણ જારી કરાયા છે. ગણેશભકતો પણ દાદાના વિસર્જનને લઇ તૈયારીઓ કરીને બેઠા છે.