ભાવનગરનું નથુગઢ ગામ રાષ્ટ્રીય કક્ષાના “પોષણ અભિયાન એવોર્ડ”થી સન્માનિત

702

માતૃ બાળ આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરવા અને એની પહોંચ છેવાડાના માણસ સુધી પહોંચાડવાના આશયથી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય અને પોષણ દિવસ ઉજવવામાં આવે છે.જે અંતર્ગત ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ નવી દિલ્હી દ્વારા પોષણ અભિયાન અંતર્ગત બાળકો અને મહિલાઓના આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલ શ્રેષ્ઠ કામગીરી માટે દર વર્ષે “પોષણ અભિયાન એવોર્ડ” આપવામાં આવે છે.

જેમાં ૨૦૧૮-૧૯નો “પોષણ અભિયાન એવોર્ડ” ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામને મળ્યો છે. એએએ એટલે કે આંગણવાડી કાર્યકર, આશા વર્કર, અને ફિમેલ હેલ્થવર્કર દ્વારા નથુગઢ ગામે કરવામાં આવેલ પોષણ અને આરોગ્યલક્ષી સર્વશ્રેષ્ઠ કામગીરી માટે નવી દિલ્હી ખાતે કેન્દ્રીયમંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીજીના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

નથુગઢ આંગણવાડી કોર્ડ નં.-૫૧ની મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સંકલિત બળ વિકાસ કાર્યક્રમના પ્રતિનિધિઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને આંગણવાડી તેમજ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવતી પોષણ તેમજ આરોગ્યલક્ષી કામગીરી જેવી કે બાળકોનું સ્ક્રિનિંગ કરી કુપોષિત નિવારણ માટે લીધેલા પગલાં, દ્ગૈંઁૈં પ્રોગ્રામ અંતર્ગત તરૂણીઓને આર્યન, ફોલિક એસિડની ગોળીઓનું વિતરણ, સગર્ભા બહેનો તેમજ ધાત્રીમાંતાઓની તપાસ કરી આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ વગેરે જેવી આરોગ્યલક્ષી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેના ફોટોસ તથા વીડિયો સહિતનો રિપોર્ટ ભારત સરકારમાં રજુ કરવામાં આવ્યાં હતાં. જેના આધારે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નથુગઢના આંગણવાડી સુપરવાઈઝર પૂજાબેન, આંગણવાડી કાર્યકર કિરણબેન દુધરેજીયા, આશાવર્કર આશાબેન મકવાણા, ફિમેલ હેલ્થ વર્કર પુષ્પાબેન સુમરા તથા આંગણવાડી હેલ્પર રંજનબેન ધામેલીયાની શ્રેષ્ઠ કામગીરીને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો અને ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટમંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા નવી દિલ્હી ખાતે “પોષણ અભિયાન એવોર્ડ” તથા ૧,૫૦,૦૦૦ રૂ. પ્રોત્સાહક રકમ એનાયત કરવામાં આવી હતી. આમ નાનકડા એવા નથુગઢ ગામે રાષ્ટ્રિય કક્ષાએ આ એવૉર્ડ મેળવી ભાવનગર જિલ્લાનું તથા ગુજરાત રાજ્યનું ગૌરવ વધારવામાં પોતાનુ યોગદાન આપ્યુ છે.

ઉલ્લેખનીય છે કે કરવામા આવેલ આ શ્રેષ્ઠ કામગીરી થકી નથુગઢ ગામની આંગણવાડીમાં બાળકોમાં કુપોષણનું સ્તર ઘટ્યું છે. નોંધાયેલ કુલ ૩૯ બાળકો માંથી હવે એકપણ બાળક અતિકુપોષિત નથી. તેમજ સગર્ભા મહિલાઓ અને ધાત્રીમાતાઓમાં પણ પોષણનું સ્તર ઉંચુ આવ્યુ છે.

Previous articleઅપહરણના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી ઝડપી લેતી એલસીબી
Next articleભાજપ દ્વારા ‘સદસ્યતા નોધણી અભિયાન’ અંતર્ગત  જીતુભાઇ વાઘણીની સક્રિય સદસ્ય નોધણી કરાઈ