નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૭.૪૩ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. તેની સાથોસાથ નર્મદા ડેમના ૨૩ દરવાજા ૪.૧૫ મીટરે ખુલ્લા નર્મદા નદીમાં ૮ લાખ ૧૬ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે નર્મદા કાંઠે આવતા અનેક ગામો અને વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. આવામાં પાણીના ધસમસતા પ્રવાહમાં ૧૩ વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. જેને પોલીસ તથા સ્થાનિક લોકોએ દોરડું નાંખીને બચાવી હતી.
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક કોઠી અને ધાવડી ગામ વચ્ચે વહેતી ખાડીમાં ૧૩ વર્ષની સુરેખા તડવી નામની બાળખી નહાવા ગઈ હતી. આ સમયે અચાનક જ ખાડીમાં પાણી વધી ગયું હતું.
જેને કારણે તેણે બૂમાબૂમ કરી હતી. પણ તે ખાડી વચ્ચે આવેલા એક પથ્થર પર ઉભી રહી ગઈ હતી. જેથી તેનો જીવ બચી ગયો હતો.
આ વિશે જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. તેમજ ગ્રામજનો પણ બાળકીને બચાવવા મદદે આવ્યા હતા. સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદથી પાણીના વેગીલા પ્રવાહમાં ફસાયેલી બાળકીને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવી હતી. બે કલાકના દિલધડક રેસ્ક્યુ બાદ પોલીસે અને સ્થાનિક ગ્રામજનોએ બાળકીને બચાવી લીધી હતી.