સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ સ્કુલમાં ગણપતિની ઈકો ફ્રેન્ડલી મુર્તિનું શાળા કેમ્પસમાં રાખેલ કુડા વિસર્જન કરાયું

516

સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ, સંસ્કૃતિ સ્કૂલ – સિહોર ના પટ્ટાગણમાં શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જેમાં ધાર્મિક પ્રવૃતિના ભાગરૂપે તારીખ-૦૨/૦૯/૨૦૧૯ થી તારીખ-૧૨/૦૯/૨૦૧૯ સુધી ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના સંચાલક/ટ્રસ્ટી પી.કે.મોરડીયા  દ્વારા ઇકો ફ્રેન્ડલી(શ્રીફળનાં છાલા) માંથી બનાવેલ દુંદાળા દેવ ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. દરરોજ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાહનચાલકઓ દ્વારા રોજે-રોજ આરતી તેમજ પ્રસાદ વિત્તરણ કરવામાં આવતું હતું.તારીખ-૧૨/૦૯/૨૦૧૯ નાં રોજ શાળામાં ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગજાનન ગણપતિ મહારાજને સુંદર મંડપમાં બેસાડવામાં આવ્યાં હતાં. તેમજ ભવ્ય ડેકોરેશન, ડી.જે., ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શાળામાં સ્થાપિત ગણપતિની મૂર્તિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા વિસર્જન વખતે સમુહ આરતી, મોદકનો પ્રસાદ, ગરબાં, તેમજ  ધોરણ-૧૨ની બહેનો દ્વારા લાઇવ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુલાલની છોળો વચ્ચે વિઘ્નહર્તા ગણપતિને આવતા વર્ષે પાછા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર-ગુંદાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ વિસર્જન વખતે ગણપતિને લગતા ગીતો પર ભવ્ય કૃતિ રજુ કરવામાં આવી હતી. અને છેલ્લે વિઘ્નહર્તા ગણપતિની ઇકો ફ્રેન્ડલી(શ્રીફળનાં છાલા) માંથી બનાવેલ મુર્તિને કોઇ તળાવમાં કે પાણીમાં નહી પરંતુ શાળા કેમ્પસમાં રાખેલ કુંડામાં વિસર્જીત કરવામાં આવી હતી.  સંચાલક મોરડીયા  દ્વારા આ વાતને સમર્થન આપી તદન નવા પ્રકારની ઇકો ફ્રેન્ડલી(શ્રીફળનાં છાલા) માંથી બનાવેલ મૂર્તિનું શાળા કક્ષા એજ  વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જનને સફળ બનાવવા માટે શાળાના સંચાલક પી.કે. મોરડીયા,આચાર્ય અનિકેતભાઇ, ઇ.આચાર્ય સંગીતાબેન, તમામ સુપરવાઇઝર, શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક શાળા પરિવારના તમામ સભ્યોએ આ ગણેશ ઉત્સવ/વિસર્જનને સફળ બનાવવા માટે સમગ્ર તૈયારીઓ કરી હતી.

Previous articleરોટરેકટ કલબ અને બીએમસી દ્વારા સ્વચ્છતા જાગૃતિનું આયોજન કરાયું
Next articleતળાજાના પીથલપુર ગામે મહીલા દ્વારા માટીના ગણપતિ બનાવી ગણપતિ મહોત્સવ ઉજવ્યો