ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડએ પ્રદૂષણ ફેલાવતા સિરામિક યુનિટોને રૂપિયા ૪૦૦ કરોડનો દડં ફટકાર્યો છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, મોરબીમાં આવેલા ૬૦૮થી વધુ સિરામિક યુનિટોને દંડ ફટકારવામાં આવ્યો છે.
મહત્વની વાત એ છે કે, એક તરફ અર્થતંત્રમાં મંદીના કારણે સિરામિક ઉદ્યોગમાં મંદી છે તો બીજી તરફ જીપીસીબી દ્વારા આકરો દંડ કરવામાં આવતા સમગ્ર સિરામિક ઉદ્યોગમાં ચિંતા વ્યાપી ગઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા સિરામિક યુનિટોમાં કોલગેસિફાયર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જીપીસીબીએ એવા યુનિટોને દંડ ફટકાર્યો છે કે, જે યુનિટો પ્રતિબંધિક કોલગેસિફાયરનો ઉપયોગ કરે છે અને પ્રદૂષણ ફેલાવે છે. જીપીસીબીએ યુનિટોને ૨૦ લાખ રૂપિયાથી લઇ એક કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે. આ મામલે જીપીસીબીનાં અધિકારીઓએ કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો.મોરબી સિરામિકના ઉદ્યોગપતિઓ દ્વારા જીપીસીબીના આ વલણ સામે સખત વિરોધ કરવામાં આવ્યો છે.મોરબી સિરામિક હબ ગણાય છે અને છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ મામલે ફરિયાદો ઉઠી હતી અને કોર્ટમાં કેસ ચાલ્યા હતા અને અંતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કોલગેસિફાયર પર પ્રતિબંધ મૂક્યો હતો.