WPI ફુગાવો હજુ ૧.૦૮ ટકાની સપાટીએ : રેટ ઘટશે

383

હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો અથવા તો ડબલ્યુપીઆઈ ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૧.૦૮ ટકાના સ્તર પર યથાવત રહેતા અપેક્ષા મુજબની સ્થિતિ રહી છે. ઓક્ટોબર મહિનામાં રજૂ કરવામાં આવનાર પોલિસી સમીક્ષામાં આરબીઆઈ દ્વારા રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. અલબત્ત આરબીઆઈ દ્વારા કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવામાં ધ્યાન આપી રહી છે પરંતુ હાલમાં કોર ફુગાવામાં ઘટાડો રહેતા રેટમાં કાપની સ્થિતિ સર્જાઈ રહી છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, મોનિટરી પોલિસીના વલણને નક્કી કરતી વેળા કન્ઝ્‌યુમર પ્રાઇઝ આધારિત ફુગાવાને આ વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ચોક્કસ ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં આંશિકરીતે તટસ્થ વલણ જોવા મળી રહ્યું છે. ડબલ્યુપીઆઈ ફુગાવો જુલાઈ મહિનામાં ૧.૦૮ ટકા હતો જ્યારે ઓગ્સટ ૨૦૧૮માં ૪.૬૨ ટકા હતો. ફુડ આર્ટિકલ્સમાં ફુગાવો આ મહિના દરમિયાન ૭.૬૭ ટકા રહ્યો છે. જુલાઈ મહિનામાં ૬.૧૫ ટકાની સામે ફુડ આર્ટિકલ્સમાં ફુગાવો વધી ગયો છે. શાકભાજી અને પ્રોટીન આધારિત ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થયો છે. શાકભાજીનો ફુગાવો ૧૩.૦૭ ટકા થઇ ગયો છે. અગાઉના મહિનામાં શાકભાજીમાં ફુગાવો ૧૦.૬૭ ટકા હતો જે ૧૩.૦૭ ટકા થયો છે. આવી જ રીતે ઇંડા, ફિશ જેવી પ્રોટીન આધારિત વસ્તુઓમાં ફુગાવો ૬.૬૦ ટકા થઇ ગયો છે જે જુલાઈ મહિનામાં ૩.૧૬ ટકા હતો. મેન્યુફેક્ચરિંગ ચીજવસ્તુઓમાં ફુગાવો યથાસ્થિતિમાં રહ્યો છે. આંશિક ફેરફારની સ્થિતિ તેમાં જોવા મળી રહી છે. ઓગસ્ટ ૨૦૧૯માં કોર ડબલ્યુપીઆઈ ફુગાવામાં નરમાશની સ્થિતિ જોવા મળી છે.  ઓગસ્ટ ૨૦૧૯માં કોર ડબલ્યુપીઆઈમાં ડિફ્લેશનની સ્થિતિ દેખાઈ છે. ઓગસ્ટમાં સીપીઆઈ ફુગાવાનો આંકડો ૩.૨૧ ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં ૩.૧૫ ટકા રહ્યો હતો. સરકાર દ્વારા ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું કે, ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના લીધે રિટેલ ફુગાવો વધી ગયો હતો. રિઝર્વ બેંક દ્વારા આ વર્ષમાં હજુ સુધી ચાવીરુપ રેપોરેટમાં ૧૧૦ બેઝિક પોઇન્ટનો સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. એકંદરે હજુ સુધી ચાર વખત રેટમાં ઘટાડો કરાયો છે. બીજી બાજુ અર્થતંત્રમાં વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસનો દર છ વર્ષની નીચી સપાટી ઉપર પાંચ ટકાથી નીચે પહોંચી ગયો છે.

Previous articleશેરબજારમાં મંદી : સેંસેક્સ ૨૬૨ પોઇન્ટને ઘટીને બંધ
Next articleનાસાનું ઓર્બિટર ’વિક્રમ’ની લૅન્ડિંગ સાઇટ પાસે પહોંચ્યું