મેડમ ઘરેથી ફોન આવ્યો છે પતિ મનોજની તબિયત સારી નથી હું જાવ છું કહી ઘરે જવા નીકળેલા હોમગાર્ડના મહિલા કર્મચારી રસ્તે ૧૦૮માં પતિ મૃત હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મનોજ નાઈટ પાળીમાં લુમ્સના કારખાનામાં નોકરી પર ગયો હતો. સવારે બેભાન મળી આવેલા મનોજને ૧૦૮માં સુરત સિવિલ હોસ્પિટલમાં લવાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. રત્નાબેનને આજે સિવિલ હોસ્પિટલમાં મોદીજીના જન્મ દિવસની ઉજવણીના બંદોબસ્તમાં સિવિલમાં જ નોકરી અપાઈ હતી. નોકરી પર આવ્યાના ૧૦ મિનિટમાં જ રત્નાબેનને દુઃખદ સમાચાર મળ્યા હતા.પાંડેસરા વિસ્તારમાં આવેલી રામેશ્વરનગર સોસાયટીમાં મનોજ આત્મારામ પાટીલ (ઉ.વ.૪૦) પરિવાર સાથે રહે છે. પત્ની રત્નાબેન હોમગાર્ડમાં ફરજ પર છે. મનોજ ગત રાત્રે નાઈટ પાળીમાં બમરોલી તિરૂપતિ ઇન્ડસ્ટ્રીના લુમ્સના ખાતામાં નોકરીએ ગયો હતો. રાત્રે ૧૨ વાગે અચાનક લુમ્સના કારખાનામાં પડી ગયા બાદ સવારે સાથી કર્મચારીની નજર પડતા ૧૦૮ને બોલાવાઈ હતી. ત્યારબાદ મનોજને સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મનોજના રહસ્યમય મોતના પગલે પોલીસે વધુ તપાસ કરી રહી છે. હાલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે.