જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદથી સગીરોને અટકાયતમાં રાખવાના આરોપ પર સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના જુવેનાઈલ જસ્ટિસ પેનલને તપાસ કરીને એક અઠવાડિયાની અંદર રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કાશ્મીરમાં બાળકોને કથિત રીતે અટકાયતમાં લેવાના મુદ્દા સંબંધિત અરજી પર સુનાવણી કરશે કારણ કે તે સગીરો સંબંધિત મહત્વનો મુદ્દો છે. સીજેઆઇ રંજન ગોગોઈએ કહ્યું કે અમને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો રિપોર્ટ મળ્યો છે જેમાં કહેવાયું છે કે લોકો દ્વારા હાઈકોર્ટમાં એપ્રોચ કરી ન શકતા હોવાનો આરોપ ખોટો છે. સીજેઆઈએ કહ્યું કે અમે કાશ્મીરી બાળકો સંબંધિત મુદ્દાને જોઈશું.
સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે અમને તેનો વિરોધાભાસી રિપોર્ટ મળ્યો છે. કારણ કે તેમાં બાળકોને કેદ કરી રાખવાનો આરોપ છે. આથી અમે હાઈકોર્ટના જુવેનાઈલ જસ્ટિસ પેનલને આદેશ આપીએ છીએ કે તેઓ આ આરોપોની તપાસ કરીને પોતાનો રિપોર્ટ એક અઠવાડિયાની અંદર કોર્ટને આપે. અરજીકર્તાએ કહ્યું કે એક છોકરાને કોઈ પણ કારણ વગર અટકાયતમાં રખાયો છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જે છોકરાને કેદમાં રાખવાની વાત કરાઈ રહી છે તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડને સોંપવામાં આવ્યો હતો. તેના પરિજનોએ હાઈકોર્ટમાં એપ્રોચ કર્યો હતો. સીજેઆઈએ કહ્યું કે અમે કાશ્મીરી બાળકો સંબંધિત મુદ્દાને જોઈશું. પરંતુ લોકો હાઈકોર્ટમાં એપ્રોચ કરી શકતા નથી તે આરોપ ખોટો છે.